(સંવાદદાતા દ્વારા) વઢવાણ,તા.ર૭
પાટડી તાલુકાના ધામા ગામે લગ્ન પ્રસંગના દાંડિયા રાસનાં કાર્યક્રમમાં ઝીંઝુપાડા ગામના ૯થી ૧૦ શખ્સોએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની સાથે તલવાર વડે હુમલો કરાયો હતો. જેમાં ઘાયલ ત્રણ શખ્સોને વધુ સારવાર અર્થે વિરમગામ લઈ જવાયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાટડીના ધામા ગામે રહેતા દરીભાઈ જેસંગેભાઈ રાઠોડના કૌટુંબિક ભાઈ રામાભાઈ ખેંગાર ભાઈની દીકરીનો લગ્ન પ્રસંગ હોઈ ધામા એમને ઘરે દાંડિયારાસનો કાર્યક્રમ હતો. ત્યારે ધામાની બાજુમાં આવેલા ઝીંઝુવાડા ગામના ચંદુભા છત્રસિંહ અને પ્રવિણસિંહ અને આ બંન્નેના દીકરા સહિત ૮થી ૧૦ જણાએ ધામા આવી ગાળો બોલતા તકરાર કરી હતી. આ બનાવ અંગે ઝીંઝુવાડા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને રાત્રીના અઢી વાગ્યે જતી રહેતા. ઝીંઝુવાડા ગામના શખ્સો બંદુક, તલવાર અને ધારિયા સહિતના સાધનો સાથે ધામા ગયા હતા.
ત્યારબાદ ચંદુભા છત્રસિંહ ધામાના દરીભાઈ જેસંગભાઈ રાઠોડ પર ફાયરિંગ કરવા જતા ધામાના ગણેશભાઈ ખોડાભાઈએ ચંદુભા છત્રસિંહનો હાથ પકડી ઉંચો કરતા હવામાં ફાયરિંગ થયું હતું. આથી કોઈને ગોળી વાગી ન હતી. જ્યારે પ્રવિણસિંહે ઉશ્કેરાઈ જઈને ગણેશભાઈ ખોડાભાઈના માથામાં અને દરીભાઈ જેસંગ ભાઈ રાઠોડના માથામાં તલવારનો ઘા ઝીંકી દઈ હુમલો કરતા ઈજા પહોંચી હતી. આ ત્રણેય ઈજાગ્રસ્તોને લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર અર્થે પાટડી સરકારી દવાખને લવાયા બાદ હાલત નાજુક જણાતા ત્રણેય શખ્સોને વધુ સારવાર અર્થે વિરમગામ લઈ જવાયા હતા. આ બનાવ અંગે ઝીંઝુવાડા ગામના દરી, જંસેગ ભાઈ રાઠોડ ચંદુભા, છત્રસિંહ અને એના દીકરા પ્રવિણસિંહ અને એમના દીકરા સહિતના ઝીંઝુવાડા ગામના ૮થી ૧૦ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ કેસની વધુ તપાસ ઝીંઝુવાડા પોલીસ મથકના પીએસઆઈ એમ.ડી.જાડેજા ચલાવી રહ્યા છે.