(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૭
જૂનાગઢ મહાનગરમાં છેલ્લા ઘણાં સમયથી કેરીના રસનું વેચાણ થઈ રહ્યું છે. હજુ તો કાચી કેરી માંડ બજારમાં પહોંચી ત્યાં જ આવા સમયે કેરીના રસનું વેચાણ શરૂ થઈ ગયું છે. માત્ર પ૦થી ૬૦ રૂપિયામાં કિલો વેચાતો રસ પરવડતો કઈ રીતે હશે તે જ સવાલ છે. બજારમાં હાલમાં કેરીના બોક્ષના ૧૦ કિલોના ભાવ ૯૦૦થી લઈને ૧પ૦૦ સુધીના છે. એટલે કે ૧ કિલો કેરીનો ભાવ જ ૯૦થી ૧પ૦ રૂપિયા જેવો થાય છે. માની લો કે તે કેસર કેરી નહી વાપરતા હોય તો પણ અન્ય જે પણ કેરી વાપરતા હોય તે એટલી તો સસ્તી તો ન જ મળતી હોય કે ૬૦ રૂપિયે કિલાના ભાવે રસ વેચી શકાય. હજુ તો કેરીની સિઝન શરૂ થઈ છે અને શરૂઆતમાં દરેક પ્રકારની કેરીના ભાવ હંમેશા ઊંચા જ રહેવાના સિઝનના આખરી સમયમાં સસ્તા ભાવે કેરી મળતી હોય ત્યારે કદાચ આ ભાવે રસ વેચવો પરવડી શકે ખરો ? પરંતુ બજારમાં કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે તેઓ ૬૦ રૂપિયામાં રસ કઈ રીતે વેચી શકે છે એ જ ગણિત સમજાતું નથી. મનપાની ટીમે આવા રસ વેચનારાનું ખાસ ચેકિંગ કરવું જોઈએ કે તેઓ રસમાં શું ભેળવે છે ? શું આ રસ ખરેખર ખાવાલાયક છે ખરો ? જૂનાગઢ મનપાની ફુડ શાખાના અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર નીકળતા જ નથી. જ્યારે નીકળે છે ત્યારે કોઈ ગોઠવણ ન થતી હોય ત્યારે જ એકાદ બે છમકલા કરી પાછા રૂમમાં પુરાઈ જાય છે. પરિણામે અખાદ્ય પદાર્થ વેચનારાને મોજ પડી ગઈ છે. વળી એકાદ બે જગ્યાએથી કાર્બાઈડ પકડી મનપાના અધિકારીઓએ કામગીરી પૂર્ણ કર્યાનો ઓડકાર ખાઈ લીધો. બસ પછી ચેકિંગ કરવાની કામગીરી ઉપર જાણે પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. હજુ તો માંડ કાચી કેરીની આવક શરૂ થઈ છે ત્યાં બજારમાં કાર્બાઈડથી પકવેલી કેરી પણ ખુલ્લેખામ વેચાઈ રહી છે. મનપાની ફુડ શાખાના અધિકારીઓએ માત્ર નાની રેકડીઓ કે નાના વેપારીઓ કે જે રસ્તા ઉપર સ્ટોલ નાખીને કેરી વેચતા હોય છે. તેને ટાર્ગેટ બનાવવાને બદલે કેરીના હોલસેલ વેપારીઓ કે જે મોટા ગોડાઉનો ધરાવે અને કેરી પકવે છે. તેવા ઠેકાણા શોધી દરોડા પાડવા જોઈએ. આવા ગોડાઉનમાંથી મોટાભાગની પાકેલી કે પરાણે પકવેલી કેરી નાના વેપારીઓ સુધી પહોંચે છે. કાર્બાઈડમાં પકવેલી આ કેરી લોકોના સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે. ત્યારે જ્યાં સુધી કેરીની સિઝન હોય ત્યાં સુધી નિયમીત ચેકિંગ શરૂ રાખવું જોઈએ અને કાર્બાઈડથી કેરી પકવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર સામે દાખલારૂપ સજા કરવી જોઈએ. તમાકુ, સીગારેટ, દારૂથી જેટલા કેન્સર થાય છે તેનાથી ચાર ગણા કેમિકલ, કાર્બાઈડથી પકવેલા ફળોથી વધુ કેન્સર થાય છે. લોકો પાસે પુરો ભાવ પડાવ્યા બાદ પણ અખાદ્ય વસ્તુ વેચનારાને કોઈપણ હિસાબે બક્ષવા ન જોઈએ. હવે કુંભકર્ણ નિંદ્રામાં પોઢેલું તંત્ર જાગે અને કરી વેચનારા નાના વેપારી કરતા મોટા ગોડાઉનને ટાર્ગેટ કરી ચેકિંગ કરે અને આવી અખાદ્ય કેરી વેચનારા ઉપર ધોંસ બોલાવે તે જરૂરી છે. ઉપરાંત જૂનાગઢમાં કેટલો કાર્બાઈડ વેચાય છે ? કોણ લઈ જાય છે ? તેની ઉપર કેમ નજર રખાતી નથી. તેવા સવાલો ઉઠી રહ્યાં છે.