(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.ર૭
ઉમરપાડા તાલુકાના વાડી ગામના વતની અને રાજ્યના વન વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાના સગા ભત્રીજા તથા સુમુલડેરીના ઉપપ્રમુખ રીતેશ કુમાર એ.વસાવાની ગાડી ઉપર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા નરેશ ઈશ્વર વસાવા ઉપર ગત રાત્રીના ઝંખવાવ ચાર રસ્તા ઉપર ૧૪ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ દાખલ થઈ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે ગઈકાલે સુમુલના ઉપપ્રમુખ સતેશભાઈ વસાવાની ઈનોવા ગાડી જીજે-૦પ-જેઈ-૯૯૧પ લઈને ડ્રાઈવર નરેશ વસાવા સુરતથી પરત વાડી આવી રહ્યા હતા. ત્યારે રાત્રીના ૮ઃ૩૦ કલાકે ઝંખવાવ ચાર રસ્તા ખાતે ગાડી ઊભી રાખી પાનના ગલ્લા ઉપર ગયો હતો. આ વખતે ઉપપ્રમુખ એમના મિત્ર સાથે ગાડીમાં હતા. તે દરમિયાન ઝંખવાવ ગામના નઝીર હુશેન મુલતાની, હુશેન હસન મુલતાની તથા અન્ય સાતથી આઠ શખ્સોનું ટોળું ગાડી પાસે આવી ગયું હતું અને ડ્રાયવરને જણાવ્યું કે મારાભાઈને કેમ માર્યો હતો ? આ વખતે ડ્રાઈવરે જણાવ્યું કે તમારા ભાઈને બોલાવો, હું તમારા ભાઈને ઓળખતો નથી. ત્યારે ઉશ્કેરાયેલા શખ્સોએ ડ્રાઈવરના શરીરે આડેધડ ફટકા માર્યા હતા અને વસાવા દુબળાને આજે પતાવી દેવાનો છે. એમ કહી હુમલો કર્યો હતો. જેથી છટકીને ગાડીમાં બેસી ગયો હતો. આ વખતે આ તમામ શખ્સોએ ગાડી ઉપર લાકડીના સપાટા માર્યા હતા. જેનાથી ઈનોવાગાડીને નુકસાન થવા પામેલ છે. ત્યારબાદ ઉપપ્રમુખ રીતેશ વસાવા, ડ્રાઈવરને સારવાર માટે માંગરોળ, સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.
ડ્રાઈવરનું કહેવું છે કે ગત તા.ર૦/૪/૧૮ના આ શખ્સોએ પીકપ ટેમ્પામાં ગાયો લઈ જતા હોય ત્યારે અને ત્યાં જોયો હતો. તેનું મન દુઃખ રાખી. આ હુમલો કર્યો છે. માંગરોળ પોલીસે કુલ ૧૪ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી, આ ગુનાની વધુ તપાસ ડી.વાય.એસ.પી. એસ.કે.વાળાને આપવામાં આવી છે.