મુંબઈ,તા.૨૭
સામાજિક મુદ્દે નિર્ભયતાથી પોતાનો મત વ્યક્ત કરનાર અભિનેત્રી રવિના ટંડને કઠુઆ અને ઉન્નાવ જેવી ઘટના પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કઠુઆ અને ઉન્નાવ જેવી ઘટનાઓ એ દર્શાવે છે કે દેશમાં હજી પણ મહિલા સુરક્ષા માટે ઘણું બધું કરવાની તાતી જરૂરિયાત છે.આ મુદ્દે કામ કરવાની તમામની જવાબદારી છે.
મસ્ત મસ્ત ગર્લ નામથી ચર્ચિત અભિનેત્રીએ મહિલા સુરક્ષા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે મહિલાઓ અને બાળકો સાથે થતી હિંસા વિરૂદ્ધ તેમણે હંમેશા વિરોધ દર્શાવ્યો છે અને ભવિષ્યમાં પણ તે આવા મુદ્દા પર વિરોધ ઉઠાવશે.તેમણે કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે પણ આવી ભયાનક અને દુખદ ઘટનાઓ બને છે ત્યારે એના પર એક મહિના સુધી ખૂબ હોબાળો થાય છે પણ પછી લોકો ે જ્યાં સુધી આવી ઘટના ફરીથી ન બને ત્યાં સુધી ભૂલી જાય છે.રવિનાના જણાવ્યા મુજબ નિર્ભયા કાંડ બાદ પણ ઘણું બધું બદલાયું નથી.ગત વર્ષ દિલ્હીમાં એમની ફિલ્મના શુટિંગ દરમિયાન પણ તેમણે આ મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો.તેમણે કહ્યું કે આ પ્રકારના અપરાધો પર ઝડપથી કાબૂ મેળવવો જોઈએ.મહિલા સુરક્ષા પ્રત્યે જાગૃતતા દરેકની જવાબદારી છે એમ તેમણે કહ્યું હતું.મહિલા સુરક્ષા પર મીડિયાએ પણ કામ કરવું જોઈએ અને આવી ઘટનાઓ લોકમાનસમાંથી ભુલવવી જોઈએ નહિ.તેમણે કહ્યું કે હું કંઈ પણ કહું પરંતુ મીડિયા વગર મારો અવાજ લોકો સુધી પહોંચી શકશે નહિ આથી મીડિયા તરીકે પોતાના સહકર્મીઓ અને લોકોની સુરક્ષા માટે મીડિયા પણ જવાબદાર છે