(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બળાત્કારના કેસમાં મોત સુધીની જેલની સજા પામેલા આસારામ વચ્ચે સંબંધોની તસવીરો વાયરલ કર્યાના એક દિવસ બાદ ભાજપે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર હુમલો કર્યો હતો. ભાજપે રાહુલને કોંગ્રેસના બહાદુર શાહ ઝફર ગણાવ્યા હતા.
ભાજપે કર્ણાટક ચૂંટણીના સંદર્ભમાં જણાવ્યું હતું કે, કર્ણાટકમાંથી કોંગ્રેસના છેલ્લા મૂળિયા પણ ઉખાળી ફેંકીશું. કર્ણાટકનો પરાજય રાહુલ માટે અંતિમ ડાઘ હશે. રાહુલની સાથે કોંગ્રેસ પાર્ટી પણ સંકોચાઈ જશે, જેમ મોગલ સામ્રાજ્યનું પતન થયું હતું તેમ કોંગ્રેસનું પણ પતન થશે.
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નિવેદન બાદ ભાજપે આ ટ્વીટ કરી હતી. સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનો રાહુલ ગાંધીને પસંદ કરે છે. પત્રના કારણે યુવા મતદારો પર તેની ખાસ્સી અસર જોવા મળી રહી છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ-જેમ નજીક આવતી જાય છે તેમ-તેમ ભાજપ-કોંગ્રેસના એક-મેક પરના હુમલામાં વધારો થયો છે. બંને પાર્ટીઓ ટોચના નેતાઓ પર નિશાન સાધી રહી છે. ભાજપે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, કર્ણાટકને મોદી પર વિશ્વાસ છે. અમારી પાસે કર્ણાટકના વિકાસ માટે ત્રણ સ્તરીય એજન્ડા છે. અમે ઝડપથી રાજ્યનો વિકાસ કરીશું.
કોંગ્રેસે પણ માત્ર ૧૯ મિનિટમાં જ આ ટ્વીટનો વળતો જવાબ આપી ભાજપના ભ્રષ્ટાચાર ગણાવ્યા હતા.