(એજન્સી) કઠુઆ, તા.ર૭
કઠુઆ બળાત્કાર-હત્યા કેસની તપાસ કરી રહેલ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મુખ્ય આરોપીઓમાંના એક આરોપી સાંજીરામે પૂછપરછમાં જણાવ્યું હતું કે, એમને બાળકીના અપહરણના ચાર દિવસ પછી બળાત્કારની ખબર પડી હતી જ્યારે એમને જણાવાયું કે એમનો પુત્ર પણ બળાત્કારમાં સંડોવાયેલ છે એ પછી એમણે બાળકીની હત્યાની યોજના બનાવી હતી. પોલીસે જણાવ્યું કે, બાળકીનું અપહરણ ૧૦મી જાન્યુઆરીએ કરાયું હતું અને એ જ દિવસે એની ઉપર રામના ભત્રીજાએ બળાત્કાર કર્યો હતો અને ૧૪મી જાન્યુઆરીએ એની હત્યા કરાઈ હતી. બાળકીને અપહરણ પછી એક દેવીસ્થાનમાં રાખવામાં આવ્યું હતું જેની સંભાળ સાંજીરામ કરતા હતા. અપહરણનો ઉદ્દેશ્ય બકરવાલ કોમને ભયભીત કરી સ્થળાંતરણ કરાવવાનો હતો. રામના ભત્રીજાએ પોતે કબૂલ્યું હતું કે, એમણે બળાત્કાર કર્યું હતું. એ પછી રામના ભત્રીજાએ રામના પુત્રને પણ આ ગુનામાં સંડોવ્યું અને રામને જણાવ્યું કે એમનો પુત્ર પણ બળાત્કારમાં સામેલ હતો. આ બનાવો પછી સાંજીરામે નિર્ણય કર્યો કે છેવટનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે બાળકીની હત્યા જ કરવી પડશે જેથી બકરવાલ કોમ ભયભીત થાય. ૧૩મી અને ૧૪મી જાન્યુઆરીએ આરોપીઓ બાળકીને દેવસ્થાનમાંથી બહાર લઈ આવ્યા. ૧૪મી જાન્યુઆરીએ બાળકીની હત્યા કરાઈ કારણ કે રામ કોઈ પણ પુરાવો છોડવા માંગતા ન હતા જેથી એમના પુત્રની સંડોવણી સ્થાપિત થાય.