ચીનના પ્રમુખ શી-જિનપિંગ સાથે વુહાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજાનારી અનૌપચારિક બેઠક પર કટાક્ષ કરતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એવું ટિ્વટ કર્યું કે તમારા ‘નો-એજન્ડા ચીન પ્રવાસ’ને ટીવી પર લાઇવ જોયો અને લાગ્યું કે તમે તનાવમાં દેખાવ છો. કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુંં કે ભારત એવું ઇચ્છે છે કે મોદી જિનપિંગ સમક્ષ ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) અંગે ભારતના સાર્વભૌમત્વની ચિંતાઓ અને ડોકલામનો મુદ્દો ઉઠાવે. રાહુલ ગાંધીએ એવું પણ જણાવ્યું કે તમને યાદ અપાવું છું કે ડોકલામ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી પસાર થતા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના મહત્વના મુદ્દાઓ વિશે ભારત તમને જિનપિંગ સાથે વાત કરતા સાંભળવા માગે છે. આ મુદ્દાઓ અંગે તમને અમારું સમર્થન છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે હું લખીને આપું છું કે ચીનના પ્રવાસ દરમિયાન પીએમ મોદી ડોકલામના મુદ્દા પર એક શબ્દ પણ બોલશે નહીં. ૨૦૧૭માં બંને દેશોના કથળી ગયેલા સંબંધો ફરી સુધારવાના પ્રયાસરુપે મોદી અને જિનપિંગ બે દિવસમાં પાંચ વાર મંત્રણા કરશે.