Site icon Gujarat Today

નરેન્દ્ર મોદી સરકારે ચીન પ્રત્યે દલાઇ લામાના બદલાયેલા વલણની નોંધ લેવી જોઇએ

(એજન્સી) તા.૨૮
ચીનમાં વુહાન ખાતે ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે પેપરલેસ અનૌચારિક શિખર પરિષદ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચીન યાત્રાના પહેલા તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઇ લામાએ જણાવ્યું હતું કે જો ચીન વંશીય સંસ્કૃતિ અને સ્વાયત્તતાનું જતન કરવાની ખાતરી આપે તો તિબેટ ચીનમાં રહી શકે છે.
તેમના નિવેદન પરથી કોઇને પણ આશ્ચર્ય થયું ન હતું ખાસ કરીને બેઇજિંગ પર દબાણ લાવવા માટે તિબેટ કાર્ડ એ શક્તિશાળી રાજદ્વારી શસ્ત્ર છે એવું માનનારા રણનીતિકારને પણ આશ્ચર્ય થયું ન હતું. તિબેટ બે નેતાઓ સાથેની વાતચીતમાં ચોક્કસપણે સરહદી વિવાદ, વ્યાપાર, આતંકવાદ અને યુએન સિક્યોરિટી કાઉન્સિલ જેવા મુદ્દાઓ સાથે ચર્ચાના ફલક પર હશે. આમ એક વાત સ્પષ્ટ છે કે તિબેટીયન સમુદાય હવે આગળ વધવા માગે છે. ૧૮ એપ્રિલ ૧૯૫૯ના રોજ દલાઇ લામાએ જ્યારે એવી ગર્જના કરી હતી કે તિબેટ સ્વતંત્રતા ઝંખે છે ત્યારે જે પરિસ્થિતિ ઊભી થઇ હતી એવી જ પરિસ્થિતિ આજે જોવા મળે છે. ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઇએ નેશનલ પિપલ્સ કોંગ્રેસને ઉદ્‌બોધન કર્યુ એ જ દિવસે દલાઇ લામાએ આ ટિપ્પણી કરી હતી. ચાઉ એન લાઇએ દલાઇ લામાને રાજ્યાશ્રય આપવાના ભારતના અધિકારનો સ્વીકાર કરતા જણાવ્યું હતું કે ભારત અને ચીને મુઠ્ઠીભર વિદ્રોહીઓને કારણે પોતાની મૈત્રીને શા માટે હાલક ડોલક કરવી જોઇએ એવું કોઇ કારણ નથી. સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનને પણ દલાઇ લામાની તાજેતરની ટિપ્પણી પર આશ્ચર્ય થયું નથી. સેન્ટ્રલ તિબેટીયન એડમિનિસ્ટ્રેશનના સેક્રેટરી ધાર્દન શાલિંગે જણાવ્યું હતું કે ૧૯૯૦થી તિબેટીયનો આ જ સંવેદનાને વ્યક્ત કરી રહ્યા છે. અમે દલાઇ લામાની ટિપ્પણી પર સહેજપણ આશ્ચર્ય અનુભવતા નથી કારણ કે અમે છેલ્લા બે દાયકાથી કહી રહ્યા છીએ કે તિબેટ ચીનનો ભાગ થઇ શકે છે પરંતુ ચીને અમને સ્વાયત્તતા આપવાની અને અમારી સંસ્કૃતિનું જતન કરવાની જરુર છે. આમ આ સંજોગોમાં ચીન પ્રત્યે દલાઇ લામાના બદલાયેલા વલણની મોદી સરકારે નોંધ લેવી જોઇએ અને હવે તિબેટ કાર્ડ અપ્રસ્તુત બની ગયું છે એ વાત સમજવી જોઇએ.

Exit mobile version