(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨૮
જામનગરના પૂર્વ નગરસેવક અને વણિક સમાજના અગ્રણી એવા યુવાન પોતાના ત્રણ મિત્રો સાથે જયપુરમાં પોતાનું વ્યવસાયિક કામ પૂર્ણ કર્યા પછી પરત ફરતી વેળાએ અજમેર દર્શનાર્થે રોકાયા હતા જ્યાંથી જામનગર આવવા નીકળેલી આ મિત્રોની મોટરને માર્ગમાં ગમખ્વાર અકસ્માત નડયો છે. જેમાં આ વણિક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને સાથે રહેલા ત્રણ અન્ય યુવાનો ગંભીર રીતે ઘવાયા છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલી બહુચરાજીની વાડી પાસે રહેતા અને મહાનગર પાલિકાના વોર્ડ નં. ૯માંથી ગઈ ટર્મમાં ભાજપના ઉમેદવાર તરીકે નગરસેવક તરીકે ચૂંટાયેલા અને બીટુભાઈના ઉપનામથી ઓળખાતા રાજેશભાઈ મનસુખલાલ દોશી (ઉ.વ.૪૦) જામનગર સ્થિત એમઈએસ વગેરેમાં ઈલેકટ્રીક કામનો કોન્ટ્રાક્ટ રાખવાનો વ્યવસાય કરતા હોય તેઓનો એક કોન્ટ્રાકટ થોડા દિવસો પહેલાં પૂર્ણ થતાં આ કોન્ટ્રાકટ એમઈએસ પાસે રિન્યુ કરાવવા માટે તેઓએ તજવીજ કરી હતી તે દરમિયાન એમઈએસની જયપુર સ્થિત કચેરીમાં એક સહીની જરૂરિયાત ઊભી થતાં ત્રણેક દિવસ પહેલાં જામનગરથી રાજેશભાઈ પોતાના મિત્રો અને વ્યવસાયમાં ભાગીદાર એવા સહદેવસિંહ, રાજુભાઈ ડોબરિયા, જેડીભાઈ સાથે મોટરમાં જયપુર ગયા હતા જ્યાં તેઓએ કોન્ટ્રાકટ રિન્યુ કરાવ્યા પછી ચારેય મિત્રો જયપુરથી અલ્ટો મોટરમાં અજમેર દર્શનાર્થે ગયા હતા. આ મોટર ગઈકાલે જયપુર નજીકના સીક્સલેન હાઈવે પરથી પરત ફરી રહી હતી ત્યારે આગળ જતાં એક ટ્રક જેવા ભારે વાહને અચાનક બ્રેક મારતા રાજેશભાઈની મોટર તેની નીચે ઘૂસી ગઈ હતી જ્યારે પાછળથી આવેલું એક અન્ય વાહન પણ અલ્ટોની પાછળ ધડાકાભેર ઘૂસ્યું હતું. આ અકસ્માતમાં રાજેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે અન્ય ત્રણ મિત્રો પણ ઘવાયા હતા. અકસ્માતના સ્થળેથી કોઈ વ્યક્તિઓએ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં રાજેશભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા.