(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેરના પાંડેસરા વિસ્તારમાંથી માસુમ બાળકીની હત્યા બળાત્કાર કરાયેલી લાશ મળી આવી હતી. જે ગુનામાં મુખ્ય આરોપી હરસહાય ગુર્જરની ધરપકડ કરવામાં આવી છે. મૃતક મહિલા અને બાળકીની ગતરોજ અંતિમવિધિ કર્યા બાદ રાજસ્થાન સીકરના પરિવારની પૂછપરછ ચાલી રહી છે. હરસહાયને મહિલા અને બાળકી સોંપનાર કુલદીપની પણ ક્રાઈમ બ્રાન્ચ આકરી પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાંડેસરા જીઆવ બુડીયા રોડ પરથી ગત ૬ એપ્રિલના રોજ ૧૧ વર્ષની માસુમ બાળકીની લાશ મળી આવી હતી. આ ઘટનાના બે દિવસ બાદ હાઈવે નજીકથી મહિલાની કોહવાયેલી લાશ મળી હતી. આ બંને લાશોનું પોસ્ટમોર્ટમ થયા બાદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે બંનેની હત્યા કરનાર મુખ્ય આરોપી હરસહાય ગુર્જરની ધરપકડ કરી હતી. ભેસ્તાન ખાતે રહીને ટાઈલ્સ ફીટિંગનું કામ કરનાર હરસહાય ગુર્જરને મહિલા અને બાળકી કુલદીપ ગુર્જરે સોંપી હતી. ક્રાઈમ બ્રાન્ચ ગતરોજ કુલદીપને રાજસ્થાનથી પકડી લાવી સઘન પૂછપરછ હાથ ધરી છે. તે દરમ્યાન ગતરોજ મૃતક મહિલા અને બાળકીની ઓળખ થઈ છે. રાજસ્થાનના સીકર ખાતે રહેતાં મુસ્લિમ પરિવારે બંને લાશો ઓળખી બતાવી પોલીસને જરૂરી પુરાવા આપ્યા હતા. મોરાભાગળ ખાતે આવેલ કબ્રસ્તાનમાં બંનેની દફનવિધિ કરવામાં આવી હતી. અંતિમવિધિ પૂર્ણ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે આજે મૃતક મહિલા અને બાળકીના પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર બનાવમાં અત્યાર સુધી માત્ર મુખ્ય સૂત્રધાર હરસહાય ગુર્જરની જ ધરપકડ થઈ છે. હરસહાયની પત્ની રમાદેવી અને મિત્ર કુલદીપની પૂછપરછ ચાલી રહી છે.