(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
લાજપોર મધ્યસ્થ જેલમાં બંધ નારાયણ સાંઇને આજે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત હેઠળ સિવિલના હાડકાનો વોર્ડ તેમજ ચામડાના વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી.
નવી સિવિલ હોસ્પિટલના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે નારાયણ સાંઈને લાજપોર જેલમાંથી ચાંપતા બંદોબસ્ત હેઠળ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. નારાયણ સાંઈનો મીડિયાએ સિવિલમાં નિવેદન લેવાનો પ્રયાસ કરતા તેણે મૌન જાળવી રાખ્યું હતું. મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાથી નારાયણ સાંઈ બચ્યો હતો. બે દિવસ અગાઉ કોર્ટમાં રજૂ કરતી વખતે પણ નારાયણ સાંઈએ મૌન ધારણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામને સગીર સાધિકા સાથે દુષ્કર્મના મામલે આજીવન કેદની સજાનો જાધપુર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. આસારામનો પુત્ર નારાયણ સાંઈ સામે પણ સુરતની કોર્ટમાં બે સાધિકા બહેનો પર દુષ્કર્મનો આરોપ છે. કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી રહી છે. કોર્ટ પ્રક્રિયાને અસર ન થાય તે માટે નારાયણ સાંઈ મીડિયા સમક્ષ કોઈપણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળી રહ્યાં હોવાનું જાણવા મળે છે.