(એજન્સી) અજમેર, તા. ૨૮
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં એક મંદિરમાં ૮ વર્ષની બાળા આસિફા સાથે સામુહિક દુષ્કર્મ અને ત્યાર પછી ક્રૂર રીતે તેની હત્યા કરાઇ હતી, છત્તીસગઢમાં પણ ધમત્રી જિલ્લામાં મંદિરના પુજારીએ બાળા પર બળાત્કાર ગુજાર્યાની ઘટના સર્જાયા બાદ રાજસ્થાનના અજમેરના હનુમાન મંદિરમાં પુજારીએ ૭ વર્ષની એક બાળા પર બળાત્કાર ગુજાર્યાની વધુ એક શરમજનક ઘટના બહાર આવી છે. પોલીસે નરાધમ પુજારીની પોક્સો કાયદા હેઠળ ધરપકડ કરી લીધી છે અને બાળાને સારવાર તેમ જ મેડિકલ તપાસ માટે હોસ્પિટલે પહોંચાડવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.
અજમેરના કાલીચટ હનુમાન મંદિર નજીક સોમવારે પોતાના ઢોર ચરાવી રહેલી બાળાને મંદિરના ૪૮ વર્ષીય પુજારી સ્વામી શિવાનંદ ઉર્ફે બલવંત છળકપટથી ભોળવીને મંદિરમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કરતા બાળા બેભાન થઇ ગઇ હતી. બાળાને શોધતા તેના પિતા મંદિરે આવ્યા ત્યારે બાળા એક ખાલી રુમમાં બેભાન પડેલી હતી. ભાનમાં આવ્યા બાદ બાળાએ તેની સાથે પુજારીએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હતું. બાળાની માતા-પિતાની ફરિયાદને આધારે પોલીસે પોક્સો કાયદા હેઠળ મંદિરના પુજારી સામે કેસ નોંધી લીધો છે અને તેની ધરપકડ કરી લીધી છે. પુજારી શિવાનંદ મધ્યપ્રદેશનો છે અને છેલ્લા ૧૦ વર્ષથી કાલીચટ ખાતે હનુમાન મંદિરમાં સેવા આપે છે.