(એજન્સી) લખનઉ, તા. ૨૮
ઉત્તર પ્રદેશના કેબિનેટ પ્રધાન અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)ના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે શુક્રવારે વારાણસીના તેમના પ્રવાસ દરમિયાન રાજપૂતો અને યાદવો અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. દારુના સેવન સામે દલીલો કરતા તેમણે કહ્યું હતું કે રાજપૂતો અને યાદવો અન્યો કરતા દારુનું વધુ સેવન કરે છે. તેમણે એવું પણ કહ્યું હતું કે દારુના સૌથીવધુ સેવન માટે રાજભરોને દોષિત ઠરાવવામાં આવે છે જ્યારે રાજભરો કરતા યાદવો અને રાજપૂતો સૌથીવધુ દારુનું સેવન કરે છે. તેમની આ ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે અને લખનઉમાં તેમના નિવાસની બહાર ભારે સંખ્યામાં એકત્રિત થયેલા દેખાવકારોએ તેમની વિરુદ્ધમાં ંસૂત્રોચાર કરીને તેમના ઘર પર ટામેટા અને ઇંડા ફેંકયા હતા.
લખનઉના હઝરતગંજ વિસ્તારમાં આવેલા પ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાન ખાતે શનિવારે બપોરે લાલ ટોપી પહેરેલા કેટલાક યુવાનો ભેગા થયા હતા. ટોળાએ પ્રધાનની વિરુદ્ધમાં સૂત્રોચ્ચારો કર્યા હતા અને ટામેટા-ઇંડોનો મારો કરતા નિવાસ સ્થાને લાગેલી તેમની નેમપ્લેટને પણ નુકસાન થયું હતું. જોકે, પ્રધાનના નિવાસે દેખાવના સંદર્ભમાં હજી સુધી પોલીસ દ્વારા કોઇની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું કે આ ઘટના વિશે પોલીસ તપાસ કરી રહી છે. યુપીના પ્રધાને એવું પણ કહ્યું હતું કે દારુનો વેપાર રાજપૂતો અને યાદવોના પૂર્વજોનો છે. ટીવી પર તેમને એમ કહેતા પણ સાંભળવામાં આવ્યા છે કે રાજભરો અને ચોહાણ, કુંભાર અને લોહાર સહિત અન્ય જાતિના લોકો પણ દારુનું સેવન કરે છે. તેમણે દારુબંધીને જરુરી ગણાવી છે. તેમણે કહ્યું કે જો તમે દારુના સેવનથી ઘરવાળાઓને થતા દુઃખ વિશે જાણવા માગો છો તો, કોઇ માતા, બહેન કે પત્ની પાસે જઇને પૂછો કે જ્યારે તેમના પુત્રો, ભાઇઓ અને પતિ દારુ ઢીંચીને આવે છે તો, તેનાથી તેમને કેટલું દુઃખ થાય છે. હું ૧૫ વર્ષથી કહી રહ્યો છું કે દારુ બંધ થવો જોઇએ.