પાટણ, તા. ર૮
પાટણ શહેરના કસવાડા મહોલ્લામાં દરગાહ અને કબ્રસ્તાનની જગ્યા પાસે મોબાઈલ ટાવર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતાં સ્થાનિક રહીશો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. આ કામ તાકિદે અટકાવવાની માગણી સાથે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને આવેદનપત્રો પણ આપ્યા હતા, ત્યારે આ વિવાદ આજે વધુ વકરતા ત્રણ જણાએ એક યુવાન પર હુમલો કરી તેને માર મારતા ટાવરની કામગીરી અટકાવવા અને યુવાનને માર મારનાર સામે ફરિયાદ નોંધવાની માગણી સાથે મહિલાઓના ટોળાએ પાટણ એ-ડિવિઝન પોલીસ મથકે ભારે દલ્લાબોલ મચાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. જેને પગલે યુવાનને માર મારનાર ત્રણ જણા વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટણના કસાવાડા-વનાગવાડાના રહેણાંક વિસ્તારમાં દરગાહ અને કબ્રસ્તાન પાસે માજીદખાન સિકદંરખાન પઠાણ કે જેઓ ખાનગી ટ્રસ્ટ પણ ચલાવે છે. તેઓ દ્વારા મોબાઈલ ટાવર ઊભુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કામગીરી તાકિદે અટકાવવા રજૂઆત કરી હતી. દરમિયાન આજે આ બાબતની અદાવતમાં માજીદખાન પઠાણ અને અન્ય બે શખ્સોએ બેઝ બોલના ધોકા વડે તન્વીર યુસુફભાઈ ભઠિયારાને માર મારતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને પ૦થી વધુ મહિલાઓના ટોળાએ પાટણ એ-ડિવિઝન પોલીસ સ્ટેશને હલ્લાબોલ મચાવી મહોલ્લાના યુવાન તન્વીર પર હુમલો કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધી ટાવરની કામગીરી બંધ કરાવવા માગણી કરી હતી.
પોલીસે તન્વીર યુસુફભાઈ ભઠિયારાની ઉક્ત ફરિયાદના આધારે માજીદ પઠાણ અને તેના બે મિત્રો સામે આઈપીસી કલમ ૩ર૩, પ૦૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.