પાટણ,તા.ર૮
પાટણ તાલુકાના અનાવાડા ગામમાં ચૂંટણીની અદાવતને લઈને મારામારીના બનાવમાં એક વ્યક્તિનું મોત નિપજતા જે અંગે પોલીસ ફરિયાદમાં સાત ઈસમો દર્શાવતા અને તેઓ છેલ્લાં ઘણા સમયથી નાસતા ફરતા હોઈ તેઓ પાટણ એલ.સી.બી.પોલીસ મથકે હાજર થઈ જતા તેમની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાટણ તાલુકાના અનાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભરવાડ જ્ઞાતિના બે ઉમેદવારો ઉભા હોઈ અને ચૂંટણીના પરિણામો જાહેર થતાં એક ઉમેદવારની હાર થતા ચૂંટણીની અદાવતને લઈને ભરવાડ સમાજના બે પરિવારો વચ્ચે ઝઘડાઓ અને મારા મારી થવા પામી હતી. જે સંદર્ભે બંને પક્ષોએ એકબીજા ઉપર સીમમાં પોતાના ખેતરેથી ઘરે આવી રહ્યા હતા. તે દરમ્યાન સામા પક્ષના સાત જેટલા ઈસમોએ તેઓની ઉપર હુમલો કરી મૂઢ માર મારતા તેઓનું મોત નિપજ્યું હતું. જે બાબતે મૃતકના કાકાના દીકરા ભરવાડ કરશન જોધાભાઈએ સાત વ્યક્તિઓ સામે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં નોંધાવેલ બોધા રાજાભાઈ ભરવાડ પાટણ એલ.સી.બી.પોલીસ સમક્ષ અગાઉ હાજર થઈ ગયો હતો. ત્યારે આજે આ ગુનામાં સંડોવાયેલ છ ઈસમો ભરવાડ હરેશ બોધાભાઈ, ભરવાડ રામાભાઈ, ભરવાડ વશરામ માતમભાઈ, ભરવાડ કાન્તી બીજોલભાઈ, ભરવાડ પોપટ રાજાભાઈ તથા ભરવાડ બલાભાઈ રાજાભાઈ પાટણ એલ.સી.બી. પોલીસ મથકે હાજર થઈ જતા પોલીસે તેઓની અટકાયત કરી છ ઈસમોને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.