(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર,તા.ર૮
ગત મોડી રાત્રે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત એક મકાનમાં ત્રાટકેલા ચાર લૂટારૂઓએ પરિવારને બેહોશ કરી બંધક બનાવી રૂા.૩.પ૦ કરોડની સનસનાટી ભરી લૂંટ કરી પલાયન થઈ જતાં હાહાકાર મચી ગયો છે. મારૂતિ અર્ટિગા કાર લઈ આવેલા લૂટારૂઓની આ ઘટના આ મકાનની સામેના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી નજીકની ગુરૂકૃપા સોસાયટીમાં મનસુખ નારણ રાદડિયા તેમના પરિવાર સાથે રહે છે. ગત રાત્રિના સમયે ૪ અજાણ્યા શખ્સોએ ઘરમાં ધસી આવી પરિવારને બાનમાં લીધો હતો. તેમને ધમકી આપી ભયભીત કર્યા હતા. બાદમાં માળિયામાં અને કબાટમાં મુકેલા પોટલાઓમાંથી અંદાજે રૂપિયા ૩.પ૦ કરોડ ઉપરાંતની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. ૪ લૂટારૂઓ રાદડિયા પરિવારના ઘરની સામેના મકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. લૂંટની ઘટના અંગે પરિવારે તરત જ જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફુટેજ કબજે કરીને તપાસ હાથ ધરી છે. જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ. આર.કે. ધુળિયાએ જણાવ્યું હતું કે ગુરૂકૃપા સોસાયટીમાં ગત રાત્રિના સમયે આવેલા ૪ શખ્સો મારૂતિ અર્ટિગા કારમાં આવ્યા હતા. જેમણે પરિવારના ત્રણ સભ્યો પતિ-પત્ની અને પુત્રને કલોરોફોર્મ જેવું ઘેનયુકત પદાર્થ સુંઘાડી મોટું દબાવીને બંદૂક જેવું હથિયાર મુકી અંદરના રૂમમાં ઢસડી ગયા હતા. જયાં પલંગ ઉપર બાંધી દઈ આશરે ૩ કરોડ પ૦ લાખની લૂંટ ચલાવી એક મોબાઈલ લઈને ફરાર થઈ ગયા છે. આ ઘટના નજીકના ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થતા તે કબજે લઈને વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે.