અમદાવાદ, તા. ર૮
સ્કૂલ ફી મામલે છેલ્લા લગભગ ૬ મહિના કરતાં વધુ સમયથી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે વિવાદનો નિવેડો આવવાને બદલે ચાલી રહ્યો છે. આ વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન સરકારે વાલીઓને ખૂબ હૈયાધારણાઓ આપી હતી. આમ છતાં અંતે સરકારે પણ ગુલાંટ મારી દેતાં વાલીઓ તોતિંગ ફી ભરવા માટે મજબૂર બની ગયા છે. માત્ર એટલું જ નહીં, શાળા સંચાલકોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે, પહેલા વિદ્યાર્થીઓની હોલ ટીકીટ અટકાવતા હતા અને હવે પરિણામ આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વારંવાર એવું કહેવામાં આવે છે કે, વાલીઓને અન્યાય નહીં થવા દઈએ, આમ છતાં શિક્ષણ મંત્રી દ્વારા સંચાલકોની તરફેણ કરવામાં આવી હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે.અમદાવાદ શહેરની ત્રિપદા અને એચ.બી.કે સ્કૂલના સંચાલકો દ્વારા ફીના નામે વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવામાં આવ્યા હતા. તેમ છતાં રાજ્યના શિક્ષણમંત્રી તો ઠીક જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ કોઈ સંચાલકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરકારની આ ઢીલી નીતિઓના પરિણામે સંચાલકોએ ફરીવાર શિક્ષણમંત્રીની ઉપરવટ જઈ રહ્યા છે.
રાજ્યના શિક્ષણ મંત્રી અને ભાજપના સિનિયર આગેવાન એવા ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જ્યારથી ગુજરાત વિધાનસભામાં શાળાઓના ફી નિયમન અંગેનો કાયદો પસાર કર્યો છે ત્યારથી વાલીઓના નામે વારંવાર નિવેદનો કરીને વાલીઓને ન્યાય અપાવીશુંની ઠાલી વાતો કરતા જોવા મળે છે. તેઓ ઘણીવાર કહી ચૂક્યા છે કે, વાલીઓને નુકસાન નહીં જાય, પરંતુ આજદિન સુધી એક પણ વાલીને સરકાર દ્વારા ન્યાય આપવામાં આવ્યો નથી.તેમાં પણ અમદાવાદ શહેરની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ફીના મામલે વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, પણ સરકાર કે સત્તાધારી નેતાઓના પેટનું પાણી પણ હલ્યું નથી. આમ સરકારનો સહકાર ન મળતા અંતે વાલીઓએ બિચારા બાપડા બનીને તોતિંગ ફી ભરવી પડી હતી. તે જ રીતે આજે શહેરના ગુરુકુળ રોડ પર આવેલી એચ.બી. કાપડિયા સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓના પરિણામો અટકાવી દીધા હતા અને જબરજસ્તીથી વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી ફી લેવામાં આવી હતી. ત્યારબાદ જ વિદ્યાર્થીઓને પરિણામ આપવામાં આવ્યા હતા.આમ શાળાઓના ફી નિયમન મામલે સરકાર સંચાલકોને ઘૂંટણિયે પડી ગઈ હોવાનું ફરી એકવાર પુરવાર થયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીથી માંડીને ભાજપના નેતાઓ ફી નિયમનમાં વાલીઓને લલચાવીને મત મેળવી લીધા હતા. ત્યારબાદ ફરી એકવાર ભાજપની સત્તા આવી જતા વાલીઓની અવગણના કરી રહ્યા છે.