અમદાવાદ,તા.ર૮
રાજયભરમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે ઉનાળાએ પોતાનો અતિ ઉગ્ર મીજાજ બતાવવાનું શરૂ કરી દીધુ છે. છેલ્લા એકાદ સપ્તાહથી રાજયભરમાં તાપમાનનો પારો સતત ઉંચો રહેવા પામ્યો છે. આજે પણ બપોરના સમયે રાજયના કેટલાક સ્થળોએ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીની નજીક પહોંચ્યો હતો. જયારે રાજકોટ અને અમરેલીમાં મહત્તમ તાપમાન ૪૩.૦ ડિગ્રી જેટલુ ઉંચુ નોંધાયું હતું જેને પગલે લોકો તોબા પોકારી ઉઠયા હતા. રાજયના મોટા ભાગના સ્થળોએ તાપમાનનો પારો ઉંચકાતા ગરમીના કારણે બેભાન થઈ જવાના બનાવો તેમજ લૂ લાગવાના બનાવોમાં ભારે વધારો થયો છે. આજે રાજયમાં ૪૩ ડિગ્રી જેટલા ઉંચા તાપમાનમાં રાજકોટ અને અમરેલીના લોકોએ બરોબરનો શેકાયાનો અહેસાસ કર્યો હતો. જયારે ગાંધીનગરમાં ૪ર.૭ સુરેન્દ્રનગરમાં ૪ર.૭, ઈડરમાં ૪ર.૬, અમદાવાદમાં ૪ર.૪, ભૂજમાં ૪ર.૦, ડીસામાં ૪૧.૮, કંડલામાં ૪૧.૬ અને વડોદરામાં મહત્તમ તાપમાન ૪૧.૧ ડિગ્રી જેટલું ઉંચુ રહેવા પામ્યું હતું.
રાજયભરમાં લોકો આકરો તાપ સહન કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા લોકોને વધારે પ્રમાણમાં પ્રવાહી લેવા અપીલ કરવામાં આવી છે. જયારે આકરા તાપના પરિણામે શહેરના રસ્તાઓ સુમસામ ભાસે છે લોકો કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે આવનાર દિવસોમાં પણ ગરમી વધવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કયાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
રાજકોટ ૪૩.૦
અમરેલી ૪૩.૦
ગાંધીનગર ૪ર.૭
સુરેન્દ્રનગર ૪ર.૭
ઈડર ૪ર.૬
અમદાવાદ ૪ર.૪
ભૂજ ૪ર.૦
ડીસા ૪૧.૮
કંડલા ૪૧.૬
વડોદરા ૪૧.૧