(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૩૦
વીજ-વપરાશ બાદ વીજળીના બિલો નહી ભરનારાઓની વહારે પણ હવે સરકાર આવી રહી છે. રાજ્યમાં ઘર વપરાશ અને ખેતીવાડીના કૃષિ વીજ જોડાણોવાળા વીજ બિલ ન ભરવાને કારણે કાયમી ધોરણે કપાયેલા વીજ-કનેકશન મામલે રાજય સરકારે મહત્વનો નિર્ણય લઈ આવા જોડાણોવાળાને બાકી લેણી રકમમાં માફી યોજનાની જાહેરાત કરી છે. એટલે કે વીજ બિલ ન ભરનારાને બખ્ખાં કરાવતા નિર્ણયમાં બાકી મૂળ રકમમાં અને તેના વ્યાજમાં માફી આપતી યોજના સરકાર લાવી છે. ત્યારે નિયમિત વીજ બિલ ભરનારા ગ્રાહકોમાં સરકારના નિર્ણયથી કચવાટ ઉભો થાય તેમ જણાય છે.
રાજયમાં જે લોકોના વીજ જોડાણ કાપી લેવામાં આવ્યા હતા. તેમને માફી યોજના અંતર્ગત સાંકળી લેવામાં આવ્યા છે. ગુજરાતભરમાં કપાયેલા ૭.૭ લાખ વીજ જોડાણ માટે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગ્રાહકોના વીજ જોડાણો કપાયા હતા. ખાસ કરીને વીજ બિલની લેણી રકમ બાકી હતી. તો કેટલીક જગ્યાએ વીજચોરીના કેસને કારણે જે કનેકશન કપાયા હતા. તેમના માટે આ યોજના જાહેર કરવામાં આવી છે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો માટે માફી યોજના જાહેર કરતા જણાવ્યું હતું કે ૭ લાખથી વધારે ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સરકાર ૪૪૩ કરોડ રૂપિયાની માફી આપશે. રૂા.એક કરોડ કે તેથી નીચેનું બિલ ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે ગ્રાહકોએ ત્રણ મહિનામાં આ યોજનાનો લાભ લેવાનો રહેશે. ઘર વપરાશ અને ખેતીવાડીના વીજજોડાણોને મુળ બિલની રકમમાં પ૦ ટકા માફી અને વ્યાજ સંપૂર્ણ માફ કરાશે. આામ પ૦ ટકા રકમ ભરવાથી ગ્રાહકો પોતાનું કપાયેલુ વીજ કનેકશન પરત મેળવી શકશે. જયારે ઉદ્યોગો અને કોમર્શિયલ ગ્રાહકોને બિલની મૂળ રકમ ભરવાની રહેશે અને વ્યાજની માફી આપવામાં આવી છે. ૩૧ ઓગસ્ટ ર૦૧૭ પહેલા જે કનેકશન કપાયા છે. તેવા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. જેમના વીજ કનેકશન કપાયા છે. તેઓ આ યોજનાનો લાભ આગામી ત્રણ મહિનામાં લઈ શકશે. આમ યોજના અંતર્ગત સરકાર વીજ ગ્રાહકોને એક મોકો આપી રહી છે કે, તેઓ પોતાનું કપાયેલુ જોડાણ ફરીથી મેળવી શકે. યોજના આગામી ત્રણ મહિના એટલે કે, ર૪ જુલાઈ ર૦૧૮ સુધી અમલી રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે વીજ બિલના બાકી પેટે રાજયમાં ૧પ૦ કરોડ મુદ્દલ, ર૯૩ કરોડ વ્યાજની રકમ બાકી નીકળે છે. ઘર વપરાશવાળા તથા ખેતીવાડી ગ્રાહકોને ત્રણ માસની અંદર બાકી મૂળ રકમ ભરી દે તો આ યોજનાનો લાભ મળી શકશે તે જ રીતે અન્ય તમામ પ્રકારના વીજ ગ્રાહકો જો ત્રણ માસની અંદર મૂળ રકમ સંપૂર્ણ ભરે તો વ્યાજમાં પૂરેપૂરી માફી મળશે. જે વીજ જોડાણોના બાકી રકમ માટેના દાવાઓ કોર્ટમાં પડતર હોય તેવા વીજ ગ્રાહકોને પણ આ યોજનાનો લાભ મળી શકશે પરંતુ કોર્ટ દ્વારા ચુકાદો આવી ગયેલ હોય તેવા વીજ જોડાણો માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તેમજ બે કે તેથી વધુ વખત વીજ ચોરીમાં પકડાયેલ વીજ ગ્રાહકો બિન ગ્રાહકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. આ યોજનાને પરિણામે પ્રજાજનોને પોતાના નામે વીજજોડાણ મળશે. કોર્ટમાં કરવામાં આવેલ દિવાની દાવાઓ પાછા ખેંચી લેવામાં આવશે. તેમને પાછલી બાકી રકમની ચુકવણી સરળ હપ્તે કરવાની સવલત મળી શકશે.