અમદાવાદ,તા.૩૦
રાજ્યમાં કાળ-ઝાળ ગરમીનો હાહાકાર મચાવી દીધો છે. રાજ્યના અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીની નજીક પહોંચ્યો છે જ્યારે બપોરના સમયે તાપમાનનો પારો ૪૪ ડિગ્રીની પાર નીકળી જતાં અનેક સ્થળોએ લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો. આજે ભાવનગરમાં સૌથી વધુ ૪૩.૮ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું હતું. જ્યારે કાળ-ઝાળ ગરમીથી ચક્કર આવવા, બેભાન થઈ જવું, બી.પી.ની તકલીફ, લૂ લાગવી જેવા ઈમરજન્સી કેસોમાં ઘણો વધારો થયો છે ત્યારે તબીબો સહિતના નિષ્ણાત લોકોને લૂથી બચવાની સલાહ આપી રહ્યા છે. અમદાવાદમાં કાળ-ઝાળ ગરમીને જોતાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે. આજે રાજ્યમાં દસ જેટલા સ્થળોએ તાપમાનનો પારો ૪૧ ડિગ્રીની સપાટીને વટાવી ગયો હતો જ્યારે આગામી દિવસોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આકરો ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે જેને પગલે ગુજરાતવાસીઓ ભઠ્ઠીમાં શેકાતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. મહત્તમ તાપમાનનો પારો દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે ભાવનગરમાં સૌથી વધુ તાપમાન ૪૩.૮ ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું હતું. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને ડીસામાં પણ ૪૩ ડિગ્રી તાપમાન રહેતા લોકોએ અંગ દઝાડતી ગરમીનો અનુભવ કર્યો હતો. અન્ય સ્થળોની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં તાપમાન ૪ર.૮, કંડલામાં ૪ર.૮, રાજકોટમાં ૪ર.૭, ઈડરમાં ૪ર.ર, અમરેલીમાં ૪ર.૦ અને વડોદરામાં ૪૧.૩ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન રહેતા લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો જ્યારે આગામી દિવસોમાં પણ ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીથી સમગ્ર પ્રકૃતિ જાણે કે ઝૂલસી ગઈ હોય તેવી પ્રતિતિ થઈ રહી છે. બપોરના સમયે લોકો ઘરમાં પૂરાઈ રહેતા કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે ત્યારે આ વખતની ગરમી તોબા પોકારી દેવડાવશે તેવું લોકો કહી રહ્યા છે ત્યારે ગરમી સામે રક્ષણ માટે શુદ્ધ પાણી, લીંબુ શરબત અને છાશ સહિતના પ્રવાહી વધુ પ્રમાણમાં લેવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ભાવનગર ૪૩.૮
અમદાવાદ ૪૩.૦
ડીસા ૪૩.૦
ગાંધીનગર ૪૩.૦
સુરેન્દ્રનગર ૪૨.૮
કંડલા ૪૨.૮
રાજકોટ ૪૨.૭
ઈડર ૪૨.૨
અમરેલી ૪૨.૦
વડોદરા ૪૧.૩