(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સિંચાઈ વિભાગ દ્વારા એપ્રિલ માસ દરમિયાન ખેડૂતોને પુરતુ પાણી નહીં આપતા આજે માજી ધારાસભ્ય ધનસુખ પટેલની આગેવાની હેઠળ ખેડૂતો સિંચાઈ વિભાગની ઓફિસે ધસી આવી આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. કેટલાક ખેડૂતો હાથમાં ઝેરી દવાની બોટલ સાથે લઈ આવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ૧લી મેના રોજ ઓલપાડની નહેરમાં પાણી ન છોડાય તો ધનસુખ પટેલ, કાંતિ પટેલ આત્મહત્યા કરશે તેવી ધમકી ઉચ્ચારી હતી. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામડામાં ખેતી અને પશુપાલન માટે હજારો ખેડૂતોને પાણીની મુશ્કેલી નડી રહી છે. નહેર વિભાગ દ્વારા પાણી આપવાની વાત કરી હતી. પરંતુ રોટેશન મુજબ પાણી ન આપતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ૧લી મેથી ઓલપાડ તાલુકાને નહેર દ્વારા પાણી આપવાનું અગાઉથી નક્કી હતું. પરંતુ રાજકીય ઈશારે રોટેશન બદલતા ઓલપાડના ખેડૂતોએ આજે અઠવાલાઈન્સ ખાતે આવેલ સિંચાઈ વિભાગની ઓફિસે ખેડૂતો આત્મવિલોપન કરવા ભેગા થયા હતા. ઓફિસના પટાંગણમાં ભેગા થયેલ ખેડૂતો ધરણાં પર બેસીને સિંચાઈ વિભાગના અધિકારીઓ પર આક્ષેપ કરતા હતા. કેટલાક અધિકારીઓ ગેરકાયદે બનેલા ઝીંગા તળાવોને પાણી પહોંચાડી ખેડૂતોનો પાણી પુરવઠો અટકાવી દીધો છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે ભૂતકાળમાં ૨૦ દિવસ પાણી આપવામાં આવતું હતું. ત્યારે હાલમાં સાતથી આઠ દિવસ જ પાણી અપાઈ રહ્યાં છે. ઉકાઈ જળાશયમાંથી છોડાતુ પાણી કાકરાપારના માધ્યમથી નહેર દ્વારા જિલ્લાના અનેક ગામડાઓમાં સિંચાઈ નેટવર્કના માધ્યમથી આવે છે. ઓલપાડ તાલુકાના છેવાડે આવેલ ગામોમાં ૫૦ ટકા કરતા પણ ઓછુ પાણી આવ્યું છે. જેથી શેરડી, શાકભાજીનો ઉભો પાક તેમજ પશુધન માટે પાણીની તંગી ગંભીર સર્જાઈ છે. નહેર વિભાગ દ્વારા મે મહિનાનું રોટેશન ૧૦ મેથી આપવામાં આવશે. ત્યાર સુધી પાક અને પશુની કફોડી હાલત થશે. જેથી ખેડૂતોએ ૧લી મેથી જ ઓલપાડ તાલુકાને પાણીનું રોટેશન આપવાની માંગણી કરી છે. અન્યતા ખેડૂતો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આજે ધરણામાં આવેલ માજી ધારાસભ્ય ધનસુખ પટેલે ધમકી આપી હતી કે જા ૧લી મેના રોજ પાણી નહીં છોડાય તો ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે તેમ કહેતા ખેડૂતોએ હાથમાં ઝેરી દવાની બાટલી બતાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ૧લી મેથી જો ઓલપાડની કેનાલમાં પાણી ન છોડાય તો કાંતિ નગીન પટેલ (માજી ઓલપાડ તાલુકા પ્રમુખ), ધનસુખ નાથુ પટેલ (માજી ધારાસભ્ય) અને હાલમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેયરમેન) ખેડૂતોના હિતમાં આત્મહત્યા કરશે તેવું આવેદન સિંચાઈ ઈજનેરને આપ્યું હતું.