(એજન્સી) કોલકાતા, તા. ૩૦
પશ્ચિમ બંગાળમાં ભલે ૧૪મી મેએ સ્થાનિક નગર નિગમની ચૂંટણીઓ યોજાનાર છે પરંતુ તૃણમૂલ કોંગ્રેસે ચૂંટણી લડ્યા વિના જ એક તૃતિયાંશ કરતા વધુ બેઠકો જીતી લીધી છે. વાસ્તવમાં આ બેઠકો પર ચૂંંટણી માટે શનિવારે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ હતો. સમય મર્યાદા વીતી ગયા છતાં વિપક્ષ તરફથી કોઇ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી નહોતી. આવા સમયે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે ૩૪ ટકા બેઠકો પર પોતાનો કબજો જમાવી લીધો છે. તૃણમૂલ કોંગ્રેસે એક પણ મત મેળવ્યા વિના રાજ્યની ૫૮,૬૯૨માંથી ૨૦,૦૦૦થી વધુ બેઠકો પોતાના નામે કરી લીધી હતી. વીરભૂમમાં સૌથી વધુ તૃણમૂલના સભ્યો નિર્વિરોધ ચૂંટણી જીત્યા છે. શનિવારે તૃણમૂલ કોંગ્રેસમાંથી ૧૦,૦૦૦થી વધુ ઉમેદવારીપત્રો પરત ખેંચાયા હતા જ્યારે તેમના સભ્યોએ સંખ્યા કરતા ૧૫,૦૦૦ વધુ ઉમેદવારીપત્રો ભર્યા હતા. આ અંગે સોમવારે લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીએ કહ્યું હતું કે, આ ચૂંટણી યુદ્ધમાં પરિણમી છે. ચૂંટણી કમિશને કોર્ટના આદેશનો ભંગ કર્યો છે જેમાં કહેવાયું છે કે, શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા માટે તમામ લાગતા વળગતાઓ સાથે વાત કરવી.
પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં એવું પહેલીવાર બન્યું છે કે, જ્યારે આટલી મોટી સંખ્યામાં બેઠકો પર ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાઇ આવ્યા છે. આ તમામ બેઠકો પર કાં તો વિપક્ષી દળોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે અથવા ઉમેદવારોના દસ્તાવેજો સંપૂર્ણ નહોતા. બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, આ લોકતંત્ર અને જનતાના મતાધિકારના અધિકાર સાથે મજાક છે. આ તો એવું થયું જાણે ઇંડા વિના મરઘી પેદા થઇ ગઇ. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચૂંટણીની જાહેરાત બાદથી જ વિપક્ષી દળો આરોપ લગાવી રહ્યા છે કે, સત્તા પક્ષની હિંસા અને આતંકને કારણે ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકતા નથી. તેઓ આ મુદ્દે કોર્ટમાં પણ ગયા છે. ચૂંટણી પંચને ૯ ઉમેદવારોએ ફરિયાદ કરી હતી કે તેમને ઉમેદવારી સ્થળ સુધી પહોંચવા માટે અટકાવવામાં આવે છે. તે બાદ ઉમેદવારોની ઉમેદવારી વોટ્સએપ પર જ સ્વીકારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ ૨૦૧૩માં પણ મમતા બેનરજીની પાર્ટીએ ૧૦ ટકા બેઠકો પર નિર્વિરોધ જીત મેળવી લીધી હતી.