નવી દિલ્હી, તા. ૩૦
કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાના સંદર્ભમાં કોઇ વિચારણા કરી રહી નથી. આર્થિક મામલાઓના સચિવ સુભાષચંદ્ર ગર્ગે આજે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડિઝલના રેટ હજુ એ સ્તર પર પહોંચ્યા નથી જ્યાં એક્સાઇઝ ડ્યુટીને ઘટાડી શકાય. રાજ્યોની તેલ કંપનીઓએ પણ એક સપ્તાહથી પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં સુધારો કર્યો નથી.
પેટ્રોલ અને ડિઝલની કિંમતો ૫૫ મહિનાની ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. પેટ્રોલની કિંમત ૭૪.૬૩ રૂપિયા અને ડિઝલની કિંમત ૬૫.૯૩ રૂપિયા થઇ ગઇ છે. ગર્ગે કહ્યું છે કે, તેલની કિંમતો સરકારના બજેટને બગાડી શકે છે જેની અસર એલપીજીના ભાવ ઉપર પણ જોવા મળી રહી છે. જેના પર સરકાર સબસિડી આપી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાંધણ ગેસ સિવાય અન્ય કોઇપણ અન્ય કોઇપણ કોમોડિટીમાં સીધીરીતે સબસિડી આપવામાં આવી રહી નથી. જો પેટ્રોલ અને ડિઝલની કિંમતો એક સ્તર સુધી રહે છે તો એક્સાઇઝ ડ્યુટીના સંદર્ભમાં વિચારણા કરી શકાય છે. પરંતુ હજુ આવી સ્થિતિ સર્જાઈ નથી. ગર્ગે એમ કહ્યું નથી કે, કયા સ્તર પર ભાવ પહોંચ્યા બાદ એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, જો કિંમતો નહીં વધે તો એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવાનો કોઇ અર્થ નથી. પેટ્રોલ અને ડિઝલ પર લાગનાર એક્સાઇઝ ડ્યુટીમાં એક રૂપિયાનો ઘટાડો કરવાની સ્થિતિમાં સરકારને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયા છે. તેલના રિટેલ ભાવમાં ચોથા હિસ્સાનો ભાગ એક્સાઇઝ ડ્યુટીનો હોય છે.