(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ સંગઠનમાં અસંમતિવાળા અને જુદા-જુદા અભિપ્રાયો વ્યક્ત કરવા દેશે પરંતુ આરએસએસ જેવા બળો સામે લડતની વાત આવે ત્યારે બધાએ એક સંગઠિત ચહેરો રજૂ કરવો જોઇએ. તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ દ્વારા અસંમતિ દર્શાવતા અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવ્યા હતા. સલમાન ખુરશીદના અભિપ્રાયો અંગે રાહુલ ગાંધીએ પ્રથમવાર જાહેરમાં ટિપ્પણી કરી હતી.
રાહુલ ગાંધીએ જન આક્રોશ રેલીને સંબોધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ તેના અનુભવી અને યુવા નેતાઓ અને કાર્યકરોનો આદર કરશે. પક્ષના તેમના અન્ય સાથીદારો દ્વારા જો તેમનું અપમાન કરાશે તો તેમની સામે પગલા ભરવામાં આવશે. તેમણે એવો આક્ષેપ કર્યો કે શાસક ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ સિવાય અન્ય કોઇ નેતાને માન આપવામાં આવતું નથી. રાહુલ ગાંધીએ રેલીને સંબોધતા એવું પણ જણાવ્યું હતું કે હું ઉદાહરણ આપવા માગું છું કે સલમાન ખુરશીદજી અહીં બેઠા છે. થોડાક દિવસ પહેલા તેમણે પોતાની અસંમતિ દર્શાવતો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, તેમનો અભિપ્રાય પાર્ટી લાઇનની વિરુદ્ધમાં હતો. તેમણે એવું પણ કહ્યું કે હું આ મંચ પરથી સ્વીકારવા તૈયાર છું કે અમારા પક્ષમાં જુદા-જુદા અભિપ્રાયો હશે અને પક્ષને મજબૂત બનાવવા માટે હું વિભિન્ન અભિપ્રાયો વ્યક્ત કરવા દઇશ.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે હું ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સલમાન ખુરશીદ જેવા લોકોના અભિપ્રાયો પક્ષની લાઇનથી અલગ હોવા છતાં તેમનો બચાવ કરીશ પરંતુ હું એવું પણ કહેવા માગું છું કે પક્ષ આરએસએસ જેવા બળો સામે લડી રહ્યો હોય ત્યારે આપણે એકતા અને પ્રેમ સાથે કરવો જોઇએ. રાહુલ ગાંધી મંચ પરથી આ લાઇનો બોલી રહ્યા હતા ત્યારે સલમાન ખુરશીદે જોયું કે લોકો તાળીઓ પાડી રહ્યા હતા. તેમણે પછી કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં સત્ય ચાલે છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહને નિશાન બનાવતા જણાવ્યું કે તેઓ આવું ક્યારેય કહેશે નહીં. કારણ કે શાસક ભાજપમાં માત્ર બે લોકોને માન આપવામાં આવે છે, તેઓ પીએમ મોદી અને અમિત શાહ છે. ભાજપમાં કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલી, ભાજપના પીઢ નેતા એલકે અડવાણી કે તેમના મુખ્યપ્રધાનોને માન આપવામાં આવતું નથી.