(એજન્સી) તા.૩૦
શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કર્ણાટકની ચૂંટણીમાં પરાજય થવાનો પૂર્વ સંકેત મળી ગયો છે ? જો એવું ન હોય તો તેઓ કેમ અંતર રાખી રહ્યા છે ? હવે તેમની કર્ણાટકમાં શ્રેણીબદ્ધ રેલીઓ યોજાનાર છે અને એવી દલીલ કરવામાં આવે છે કે તેઓ આખરી તબક્કા માટે પોતાની ઊર્જા સાચવી રાખવા માગતા હતા અને તેમને પોતાના જમણા હાથ સમાન ભાજપાના પ્રમુખ અમિત શાહમાં સંપૂર્ણ વિશ્વાસ છે અને તેમનું માનવું છે કે ભાજપમાં બી એસ યેદિયુરપ્પાની વાપસી જ પક્ષ માટે જીતવા પર્યાપ્ત છે. જો કે આ બધી દલીલો મને ગળે ઉતરતી નથી. મોદી જીત અને હાર વચ્ચેનો તફાવત પારખવા માટે બીજા પર વિશ્વાસ રાખે એવી વ્યક્તિ નથી. મોદી વન મેન આર્મી છે અને રેલી તેમજ રોડ શોમાં તેઓ વધુ કમ્ફર્ટેબલ છે. પરંતુ તેમ છતાં કર્ણાટકના ચૂંટણી જંગમાંથી હજુ તેઓ ગેરહાજર છે તે બતાવે છે કે તેની પાછળ કોઇ કારણ છે. મોદી ૧ મેથી શરુ કરીને કર્ણાટકમાં ૧૫ રેલીને સંબોધનાર છે. સૌપ્રથમ તો તેમણે પોતાની લોકપ્રિયતા ઘટી રહી છે એ વાત પુરવાર કરવી પડે તેમ છે. તેમને ગુજરાતમાં ચૂંટણી જીતતા આંખે પાણી આવી ગયા હતા. એ જ રીતે ગોરખપુર અને ફુલપુરમાં ભાજપનો પરાજય તેમજ રાજસ્થાન-મ.પ્ર.ની ચૂંટણીમાં થયેલ પરાજય તેમના માટે ક્ષોભજનક સ્થિતિ સમાન હતો. આથી જો કર્ણાટકમાં જીત થશે તો માનસિક રીતે તેમની નેતાગીરીમાં લોકોનો વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં જ્યારે તેમને ખબર પડી કે ભાજપની સ્થિતિ ધાર્યા કરતા વધુ નબળી છે ત્યારે મોદીએ ગુજરાતમાં ડેરા તંબૂ તાણી દીધા હતા અને સમગ્ર ચૂંટણી અભિયાન પોતાના હાથમાં લઇ લીધું હતું. ખાસ કરીને તેમણે જૂનમાં રાજકોટમાં એક બીજા મેગા શોનું આયોજન કર્યુ હતું. તેના પગલે રાજકોટમાં ૮ બેઠકોમાંથી ૫ બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ૨૦૧૩માં જ્યારે યેદિયુરપ્પાએ બળવો કરીને પોતાનો નવો પક્ષ રચ્યો હતો અને રાજ્યમાં ભાજપનો પરાજય નિશ્ચિત હતો તે મોદીને ખબર હતી અને તેથી મોદીએ ત્યાં ત્રણ જ રેલીઓને સંબોધન કર્યુ હતું. હવે તેઓ ફરીથી આ કરી રહ્યા છે. કર્ણાટકમાં પરાજય માટે મોદી દોષ પોતાના પર લેવા માગતા નથી. આથી તેઓ અમિત શાહને એકલા હાથે જંગ લડવા દે છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ અભિપ્રાય લેખકનો પોતાનો અંગત અભિપ્રાય છે)