(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
કર્ણાટકની આગામી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને બહુમતી મળે તેવા સંકેત મળ્યા છે. કેટલાક પ્રિ-પોલ સર્વેના તમામ તારણોમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળે તેવા દાવા કરાયા છે. સી ફોર દ્વારા કરાયેલા એક સર્વેમાં કોંગ્રેસને ૨૨૪ બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસને ૧૧૮-૧૨૮ બેઠકો આપી છે. ભાજપ અંગે સર્વે જણાવે છે કે, તેને ૬૩-૭૩ બેઠકો મળે તેવી સંભાવના છે. બીજી તરફ જેડીએસને ૨૯-૩૬ બેઠકો મળી શકે છે જ્યારે અન્ય પક્ષોને ૨-૭ બેઠકો આવી શકે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે. સી ફોરે ૨૦-૩૦ એપ્રિલ દરમિયાન કર્ણાટક ચૂંટણીઓ પહેલા આ સર્વે કરાવ્યો હતો. સર્વેમાં ૬૧ વિધાનસભા વિસ્તારોમાંથી ૬૨૪૭ મતદારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જ્યારે પ્રાંતોના આધારે બધાને સવાલો કરવામાં આવ્યા હતા. એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, વિવિધ જાતિ અને સમુદાયોને સરખી રીતે આ સર્વેમાં સમાવિષ્ટ કરવામાં આવે. સી ફોરે જણાવ્યું હતું કે, સર્વેમાં વિશ્વસનીયતા માટે બેથી ૯૫ ટકાનું માર્જિન રાખવામાં આવ્યું હતું. બીજી તરફ અન્ય સર્વેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને બહુમતી સાથેની સત્તાથી દૂર ગણાવાયા છે, જો કે, આ સર્વેમાં પણ કોંગ્રેસને સૌથી વધુ બેઠકો આપવામાં આવી હતી. ટાઇમ્સ નાઉના પોલ ઓફ પોલ્સના જે આંકડા બહાર પડાયા છે તે પણ ભાજપ અને ખાસ કરીને ભાજપના અધ્યક્ષ અમિત શાહ તથા નરેન્દ્ર મોદીને આંચકો આપનારા છે. એવો અંદાજ વ્યક્ત કરાયો છે કે, ૨૨૪ બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસને ૯૩ બેઠકો મળી શકે છે. આ પહેલાના ટાઇમ્સ નાઉ અને બીએમઆરના ૨૩ એપ્રિલના સર્વેમાં કોંગ્રેસને ૯૧ બેઠકો પર જીત મેળવતી દેખાઇ હતી. તાજેતરમાં એનજીટી-એનજીના સર્વેમાં કોંગ્રેસને ૧૦૦ બેઠકો મળે તેવી સંભાવના વ્યક્ત કરાઇ હતી. જોકે, સીએસડીએસ પોલમાં ભાજપને ૯૨ અને કોંગ્રેસને ૮૮ બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી. બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી રહેલી જેડીએસ સામે આ ચૂંટણીમાં પ્રાસંગિક બની રહેવાનો પડકાર છે. આ પાર્ટી છેલ્લા ૧૦ વર્ષથી રાજ્યમાં સત્તાથી દૂર છે. તમામ સર્વેમાં જેડીએસને ૩૫-૪૦ બેઠકો આપવામાં આવી છે.