(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
સરકારના કે.એમ.જોસેફને સુપ્રીમકોર્ટના જજ તરીકે પસંદગી નહીં કરવાના નિર્ણયને કોલેજિયમ હકીકતો અને પૂર્વ નિર્ણયોના આધારે પડકારશે, સુપ્રીમકોર્ટના જજ કુરિયન જોસેફે વધુમાં કહ્યું કે જજ કે.એમ.જોસેફના નામને રદ કરતી વખતે સરકારે વ્યાજબી હકીકતો દર્શાવી નથી. કોલેજિયમ સરકાર સમક્ષ સમગ્ર હકીકતો અને પૂર્વ નિર્ણયો રજૂ કરશે જે સરકારને ધ્યાનમાં લીધા નથી. કે.એમ.જોસેફ ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. કોલેજિયમે જાન્યુઆરી મહિનામાં સુપ્રીમકોર્ટમાં જજ તરીકે નિમણૂક માટે ઈન્દુ મલ્હોત્રા અને કે.એમ.જોસેફના નામની ભલામણ કરી હતી. સરકારે ત્રણ મહિના સુધી આ ભલામણો બાબત વિચાર્યું નહીં. છેવટે ર૬મી એપ્રિલે ઈન્દુ મલ્હોત્રાના નામની પસંદગી કરી અને કે.એમ.જોસેફની પસંદગી નહીં કરી. સરકારે કારણો રજૂ કરતાં કહ્યું કે, ૧૧ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશો કે.એમ.જોસેફ કરતાં વધુ વરિષ્ઠ છે અને એ કોર્ટોનો સુપ્રીમકોર્ટમાં કોઈ પ્રતિનિધિત્વ પણ નથી. બીજુ ઘણા સમયથી દલિતોમાંથી કોઈ જજની નિમણૂક કરવામાં આવી નથી જે બાબત પણ અમને ધ્યાનમાં લેવી છે. કોલેજિયમની મીટિંગ બુધવારે મળશે અને આ મુદ્દે વિચારણા કરાશે.