(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૯મી એપ્રિલે જાહેરાત કરી હતી કે દેશના બધા ગામો સુધી વીજળી પહોંચી ગઇ છે. સરકાર મુજબ મણિપુરના સેનાપતિ જિલ્લાના લેઇસાંગ ગામ શનિવારે સાંજે રાષ્ટ્રીય વીજળી ગ્રિડ સાથે જોડાનારું છેલ્લું ગામ બન્યું. આંકડાઓ મુજબ ૨૦૧૪માં મોદીએ સત્તા સંભાળી તે સમયે દેશમાં ૧૮,૪૫૨ ગામ વીજળી વગરના હતા. સરકારની દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના હેઠળ ભારતના આશરે ૬ લાખ ગામમાં વીજળી પહોંચાડવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું. સરકારી આંકડાઓ મુજબ ૧,૨૩૬ ગામ વસતી વગરના છે અને ૩૫ ગૌચર તરીકે અનામત છે. જોકે, સરકારના આ દાવાઓ પર વિભિન્ન મીડિયા રિપોટ્ર્સમાં પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે.
કેન્દ્રના ડેટા મુજબ જે ગામોમાં તાજેતરમાં વીજળી પહોંચી છે, તેમનામાંથી માત્ર ૮ ટકા ગામોમાં જ બધા પાસે વીજળી કનેક્શન છે. દેશના આશરે ૩.૨૦ કરોડ ઘરોમાં હજી પણ વીજળી નથી, આ ઘરોમાં અંધારું છે. એક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વીજળી કનેક્શન મેળવવા માટે દસ્તાવેજોની પ્રક્રિયાથી લોકો કંટાળી ગયા છે. એટલું જ નહીં, લોકોને વીજળીના જંગી બિલ્સની પણ ચિંતા છે. સરકાર દ્વારા મફતમાં વીજળી કનેક્શન આપવાની ઓફર કરવામાં આવે છે પરંતુ લોકો જંગી બિલને કારણે વીજળી કનેક્શન લેવા માટે તૈયાર નથી.
સરકાર એવું માને છે કે જો કોઇ ગામના ૧૦ ટકા ઘર, સ્કૂલો અને જાહેર સ્થળોએ વીજળી પહોંચી ગઇ તો, તે ગામ ઇલેક્ટ્રિફાઇડ થઇ ગયું પરંતુ અત્યારે પણ ભારતના ગામોનો એક મોટો ભાગ વીજળી વગરનો છે. આ વાત સરકાર પણ સમજે છે, તેથી સરકારે ૪ કરોડ ગ્રામીણ અને શહેરી પરિવારોને માર્ચ ૨૦૧૯ સુધી ‘પ્રધાનમંત્રી સહજ વીજળી હર ઘર યોજના (સૌભાગ્ય)’ હેઠળ વીજળી કનેક્શન આપવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. સરકારી આંકડા પણ વીજળી વિતરણ વ્યવસ્થા વિશે બતાવે છે કે દેશના ૨૪ રાજ્યોમાં હાલમાં એવા ઘણા ઘર છે જ્યાં વીજળી પહોંચી નથી. આ ઘરોમાં સૌથી વધુ સંખ્યા ઉત્તર પ્રદેશના ઘરોની છે.