પાટણ,તા.૩૦
પ્રસુતિની સહાય માટે દંપતિને અમદાવાદ સિવિલમાં લઈ જઈ ૧૩ દિવસના બાળકને ચોરી જનાર મહિલા અને એક યુવકને પાટણ તાલુકાના બાલીસણા ગામેથી બાળક સાથે બાલીસણા અને અમદાવાદ પોલીસ દ્વારા સંયુકત ઓપરેશન કરી પકડી લેવાયા હતા. દાંતાના પીપળાવાળી ગામમાં રહેતા મુકેશ ખોખરિયા એક મહિના પહેલા ગર્ભવતી પત્ની શારદા સાથે ઊંઝાથી બસમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે મુસાફરી કરી રહેલા પ૦ વર્ષીય સવિતા ઉર્ફે નિર્મલાબેન પટેલે વાતવાતમાં શારદાબેનને જણાવ્યું કે ડિલિવરીનો તમામ ખર્ચ સરકાર આપે છે તમારે સરકારની યોજનાનો લાભ લેવો હોય તો મારો સંપર્ક કરજો તેમ કહી નંબર આપ્યો હતો. ત્યારબાદ શારદાબેનની ડિલિવરી દાંતા ખાતે સિવિલ હોસ્પિટલમાં કરી હતી અને બાળકને લઈ તેઓ ઘરે પણ આવી ગયા હતા. બાળક ૧૩ દિવસનું થયું ત્યારે નિર્મલાબેન શારદાબેનના ઘરે આવ્યા હતા અને સરકારી સહાય લેવા માટે તમારે અમદાવાદ સિવિલમાં આવવું પડશે તેમ કહેતા ર૭ એપ્રિલના રોજ મુકેશભાઈ અને શારદાબેન તેમના બાળક રવિ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા હતા. જયાં તબીબી અધિક્ષકની ઓફિસની સામે આવેલ અસ્મિતા ભવન પાસે મુકેશને ઉભા રાખી તમારૂં નામ બોલો એટલે રૂમની અંદર જઈને ઝેરોક્ષ જમા કરાવી આવજો તેમ કહી બાળકનું વજન કરાવવાના બહાને શારદા અને બાળકને લઈ ગઈ હતી. થોડીવાર બાદ મુકેશને બોલાવવાના બહાને શારદાને મોકલી આ સવિતા ઉર્ફે નિર્મલા બાળકને અપહરણ કરી ફરાર થઈ ગઈ હતી.
આ ઘટનામાં અમદાવાદ શાહીબાગ પોલીસે મોબાઈલ લોકેશન આધારે તપાસ હાથ ધરી પાટણના બાલીસણા ગામે નાગરવાડા વિસ્તારમાં આવેલા માઢના એક મકાનમાંથી બાલીસણા પી.એસ.આઈ.પી. જે. સોલંકી અને વી.વી. ત્રિવેદી અમદાવાદ મેઘાણીનગર પી.એસ. આઈ.વી. એસ. સિંઘવ, પી.એસ.આઈ.એસ. જે પરમાર સહિત પોલીસની ટીમે સંયુકત ઓપરેશન કરી બાળક રવિ સાથે સવિતા ઉર્ફે નિર્મલા ગિરીશભાઈ પટેલ અને અમદાવાદના કમલેશ ઉર્ફે ગોગો રતિલાલ દરજીને પકડી લઈ અમદાવાદ લઈ જવાયા હોવાનું ઈન્ચાર્જ બાલીસણા ડજઈ સોલંકીએ જણાવ્યું હતું.