વાગરા, તા.૩૦
ભરૂચ જિલ્લાના ખેડૂત વિરોધી નિતિના કારણે લાચાર બની પાયમાલ બની રહ્યા છે જેમકે જિલ્લામાં પીસીપીઆઈઆર, બૌડા, એક્સપ્રેસ-વે, રેલવે, ગોલ્ડન કોરીડોર અને વિવિધ જીઆઈડીસીના સંપાદનમાં લાખો હેકટર જમીન ખેડૂતોએ ગુમાવી, ખેડૂતોની સંમતિ વિના ફળદ્રુપ જમીનોમાં અલગ અલગ કંપનીઓની હાઈટેન્શન વીજ લાઈનો નાંખવામાં આવી, ખેડૂતોના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો નહીં, નર્મદા નિગમની નહેરો જે સિંચાઈ માટે બનાવવામાં આવી તે ઉદ્યોગોને હવાલે કરવામાં આવી. આમ અનેક સમસ્યાઓ ખેડૂતો માટે સરકારની ખેડૂત વિરોધી નીતિને કારણે ભરૂચ જિલ્લા ખેડૂતો માટે ઉદ્ભવી છે અને તેમાંય વાગરા તાલુકો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે મોટી મોટી વાતો કરી જિલ્લામાં ઔદ્યોગિક વસાહતો સ્થાપતા, ખેડૂત વારસદારોને નોકરી, ધંધા કે રોજગારી માટેના સ્ત્રોત ઊભા થશે તો ખેડૂત સમૃદ્ધ બનશે. વિસ્તારમાં પ્રાથમિક સગવડો વધશે જેવા દિવાસ્વપ્નો દેખાડી ઉદ્યોગો માટે જ કામ કરતી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોની ફળદ્રુપ જમીનો કે જેમાં કપાસ, ઘઉં, બાજરી, તુવેર, જુવાર અને મગ જેવા ધાન્ય પાકોનું મબલખ ઉત્પાદન થતું તે જમીન જીઆઈડીસીના માધ્યમથી ખૂબ જ ઓછી કિંમતે ખેડૂતો પાસેથી સંપાદન કરી લેવામાં આવી. ભલોભોળો ખેડૂત જમીન સંપાદન સમયે સરકારી અધિકારીની દિવાસ્વપ્ન દેખાડતી વાતમાં આવી ગયો.
છેલ્લા ર૦-રર વર્ષમાં જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો સ્થાપી, પણ જીઆઈડીસી દ્વારા સંપાદન થયેલ જમીનોના ખેડૂતોએ પોતાની આજીવિકા આપતી “માતા” તુલ્ય જમીનો આપી દીધી પરંતુ તેમના પરિવારના વારસદારો ભણેલા હોવા છતાં આજીવિકા કે રોજગારી માટે વલખાં મારે છે. ઉદ્યોગો સ્થાનિક લોકોને નોકરી કે કામ આપવા તૈયાર નથી. બે વર્ષ પહેલા ખેડૂત હિતરક્ષક દળની રજૂઆતને પગલે કલેકટર ભરૂચની કચેરી દ્વારા સર્વે કરાતા માત્ર વાગરા તાલુકામાં જીઆઈડીસીમાં જમીન સંપાદનમાં આપ્યા પછી નોકરી ના મળી હોય તેવા લેન્ડલુઝરની સંખ્યા આશરે ૩૦૦૦ જેટલી હોવાનું બહાર આવ્યું હતું. જેમને આજદિન સુધી નોકરી કે રોજગારી ભથ્થુ આપવામાં આવેલ નથી.
મોટી મોટી ઔદ્યોગિક વસાહતોના અસરગ્રસ્ત ગામોમાં પીવાનું શુદ્ધપાણી નથી, શિક્ષણ, આરોગ્ય જેવી સુવિધાઓ નથી, લોકો બેબાકળા બની જીવન ગુજારી રહ્યા છે અને તેમ છતાં સરકારી બાબુઓ સબ સલામતની વાતો કરે છે. ભાજપનું “ગુજરાત મોડલ” એટલે ખેડૂત ભૂખમરાથી મરે, “ગુજરાત મોડલ” એટલે ખેતી પ્રધાન દેશનો ખેડૂત પાણી વિના, રોજગાર વિના લાચાર બની, પોતાની બચેલી જમીનને પણ સરકારની બુરી નજરથી બચાવવા રઝળપાટ કરે.
ઔદ્યોગિક વસાહતો માટે પાણીની મોટી મોટી લાઈનો નાંખવા, વીજળી માટે હાઈટેન્શન લાઈનો નાંખવા, ગેસ લાઈનો નાંખવા અથવા તો ઉદ્યોગોને જરૂરી હોય તેવી અન્ય સગવડો આપવા ખેડૂતોની મબલખ પાક આપતી ફળદ્રુપ જમીનનો ઉપયોગ સરકારી તંત્ર કરે છે. ખેડૂતને જમીન અને પાકનું એક વર્ષનું નજીવું વળતર ચૂકવી ખેડૂતની જમીનમાં નાખવામાં આવેલી પાણીની લાઈન, જીઈબીની હાઈટેન્શન લાઈન અથવા તો ગેસ લાઈન હોય આવી એજન્સીઓ ઉદ્યોગ પાસેથી યુનિટ દર મુજબ વર્ષોવર્ષ ચાર્જ વસુલ કરી કમાણી કરે છે. ખેડૂતની ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરનાર આવી કંપનીઓએ તેમની આવકમાંથી જે ખેડૂતોની જમીનનો ઉપયોગ કર્યો હોય તેવા ખેડૂતોને જમીનનો ઉપયોગ કરે ત્યાં સુધી દર મહિને તેમની આવકનો ચોક્કસ ભાગ આપવા ગુજરાત સરકાર જો ખેડૂત માટે સંવેદના ધરાવતી હોય તો વિચારવું જોઈએ. તેના બદલે ખેડૂતો પર પોલીસ કેસ કરવામાં આવે છે.
ઔદ્યોગિક વસાહતો માટેની હાઈટેન્શન લાઈન નાખવાનો એક કિસ્સો તાજેતરમાં જ બહાર આવ્યો છે. પીસીપીઆઈઆર વિસ્તારમાં જેટકો કંપની દ્વારા ગલેન્ડાથી અટાલી સબ-સ્ટેશન સુધી હાઈટેન્શન લાઈન નાખવાની કામગીરીની નોટિસો ખેડૂતોને આપવામાં આવતા અસરગ્રસ્ત ખેડૂતોએ આવી લાઈન નહીં નાખવા માટે વિરોધ કર્યો હતો. જે લાઈન નાખવા જેટકો અને સરકારી તંત્ર બેબાકળું બન્યુ છે. તે જ જમીનમાંથી બે હાઈટેન્શન લાઈન પસાર થઈ છે, ગેસ લાઈન પસાર થઈ છે અને ત્રીજી હાઈટેન્શન લાઈન નાખવામાં આવતા જમીનનો મોટો હિસ્સો નુકસાનીમાં જાય તેમ છે. જમીનના જેટલા ભાગમાં હાઈટેન્શન લાઈનના ટાવરો છે તે ભાગ અને તેની આસપાસની જમીનમાં કાયમી ધોરણે ખેડૂત ખેતી કરી શકતો નથી અને તેમ છતાં આ જમીનનું રેવન્યુ કાયમી ધોરણે ખેડૂતે ભરવાનું હોય છે જે જમીનની ઉપરથી વીજળીના વાયરો પસાર થાય છે તે જમીનમાં તે ખેડૂત યોગ્ય પાક લઈ શકતો નથી. જમીન ખેડૂતની, નુકસાન ખેડૂતને અને ફાયદો ફક્ત ઉદ્યોગોને તે વાત ખેતીપ્રધાન દેશમાં ગુજરાતના ખેડૂતોએ ભાજપ સરકારની નીતીનો એક ભાગ છે તે હવે સમજી ગયા છે.
પીસીપીઆઈઆરમાં આવતી નગર રચનાના વિરોધમાં સંપાદનમાં જમીન ગુમાવનાર ખેડૂતોના વારસદારોની રોજગારી માટે શિક્ષણ, આરોગ્ય, પીવા માટે શુદ્ધ પાણી, પર્યાવરણ જેવા વિવિધ મુદ્દાઓ અને ફક્ત ઉદ્યોગોના હિતને ધ્યાનમાં રાખી ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવામાં ન આવે તે માટે ખેડૂત હિતરક્ષક દળના કોઓર્ડિનેટર યાકુબ ગુરજી, પ્રમુખ માવસંગ પરમાર, સંયોજક હિંમતસિંહ બાજી, પરિમલસિંહ રણા, બળવંતસિંહ પરમાર, સલીમભાઈ નવેઠા, જયદેવસિંહ વાઘેલા, ચંદુભાઈ ગોહિલ, સંજય પટેલ, રજની પટેલ, આસિફ પટેલ, બાલુભાઈ પ્રજાપતિ, જયેન્દ્રસિંહ રાજ, ભાઈલાલ પંચાલ, ચિમનભાઈ પટેલ સહિતના આગેવાનો ખેડૂતોને પડખે રહી મક્કમતાથી લડત આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જિ.પીસીપીઆઈઆરની નગર રચના નં. ૧ અને ર ના નગર રચના અધિકારી દ્વારા અટાલી, તા. વાગરાના ખેડૂતોની જમીનોને નગર રચનામાં ખેતીની જમીનના ટુકડા કરતી નોટિસો ફરી આપી ખેડૂતોને માનસિક ત્રાસ આપવાનું અને ખેડૂતોની સંમતિ ન હોવા છતાં જમીનો ખેડૂત પાસેથી હડપી લેવા માટે પ્રયાસ કર્યો છે. આમ ગુજરાતની ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ અને ખેતીની જમીનોને નષ્ટ કરતી વિવિધ યોજનાઓથી ભરૂચ જિલ્લાના ખેડૂતો અસહાય અને લાચાર બની પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા વલખા મારી રહ્યા છે. તેવા સમયે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે મુખ્યમંત્રી શ્રી દેશનું ગૌરવ એવા ખેડૂત માટે પોતાની સંવેદના જગાડી ખેડૂતની અસ્મિતાનું રક્ષણ કરે છે કે ઉદ્યોગપતિઓની દલાલી કરે છે તે જોવું રહ્યું.