(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૩૦
મેરેજ એનવર્સરીની આગલી રાત્રે વેપારીનું તેમના વકીલ મિત્રએ તેના બે સાગરીતો સાથે મળી રૂા.૪.૬૦ લાખની લેવડ-દેવડમાં કારમાં અપહરણ કર્યું હતું. આજે વેપારીનો મૃતદેહ હાલોલ નર્મદા કેનાલ પાસેથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બનાવ અંગે વકીલ મિત્ર અને તેના બે સાગરીતોની અટકાયત કરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના હરણી રોડ પર આવેલ તિલકપાર્ક સોસાયટીમાં રહેતાં સુરજભાઇ સુરેશભાઇ શાહ (ઉ.વ.૪૫)ની પત્ની શ્રુતિબેન અને પુત્ર નિલ સાથે રહેતાં હતા. તેઓ કાર લે-વેચ અને ઇલેકટ્રીકનો વ્યવસાય કરતાં હતા. તેમના પત્ની શ્રુતિબેન શાહ જયોતિષનો વ્યવસાય કરે છે. આ ચકચારી બનાવ અંગે શ્રુતિબેને જણાવ્યું હતું કે, ૨૫ એપ્રિલે સાંજે ૬ કલાકે મારા પતિ તેમના અંગત વકીલ મિત્ર વિજય રાવજીભાઇ રોહિત સાથે નિકળ્યા હતા. મોડીરાત સુધી તેઓ ઘરે પરત ન ફરતાં તેમનો ફોન પર સંપર્ક કર્યો હતો. તા.૨૬મી એપ્રિલનાં રોજ અમારી મેરેજ એનીવર્સરી હોઇ તેમ પતિ સાથે વાતચીત થઇ હતી ત્યારે જણાવ્યું હતું. જેથી પતિએ મારે ઘરે આવતા મોડુ થશે તમે જમી લેજો. મોડીરાત સુધી પણ ઘરે નહીં આવતા ૧૨ વાગ્યા બાદ હેપ્પી મેરેજ એનીવર્સરીનો મેસેજ કર્યો હતો. આ છેલ્લો મેસેજ કર્યા પછી હું સુઇ ગઇ હતી. પરંતુ તેઓ સવારે પણ ઘરે આવ્યા ન હતા. જેથી ૯ વાગ્યાનાં અરસામાં કારેલીબાગ પોલીસ મથકે જઇ પતિ ગુમ થયાની અરજી આપી હતી.
પોલીસે સીસીટીવી ફુટેજ જોતા સંગમ ચાર રસ્તા પાસે વકીલ મિત્ર વિજય સાથે વેપારી જતાં નજરે પડયા હતા. પોલીસે આ અંગે શ્રુતિબેન પાસેથી વિગતો મેળવી તપાસ હાથ ધરી હતી. ચાર દિવસ વિતી ગયા હોવા છતાં કોઇ સગડ ન મળતાં આજે સવારે શ્રુતિબેને પોતાના પતિનું વકીલ વિજય રોહિતે તેના બે સાગરીતોની મદદથી અપહરણ કર્યું હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. વેપારીનું રૂા.૪.૬૦ લાખની લેવડ-દેવડમાં અપહરણ કર્યું હોવાનું નિવેદન શ્રુતિબેને પોલીસને જણાવ્યું હતું. તે દરમ્યાન આજે સવારે હાલોલ નર્મદા કેનાલ પાસેથી વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી શ્રુતિબેને પોતાનાં પતિની વિજય રોહિત અને તેના સાગરીતોએ અપહરણ કરી હત્યા કરી હોવાનું આક્ષેપ કર્યો હોવાથી ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની તપાસ કરી રહેલ કારેલીબાગ પોલીસ મથકનાં પો.ઇ. આર.આર.જાડેજાએ જણાવ્યું હતુ કે, તા.૨૫મીએ અપહરણ કરાયેલા વેપારી નાણાંની લેવડ દેવડમાં વકીલ મિત્ર વિજય રોહિત અને તેમના સાગરીતોએ હત્યા કરી નાખી હોવાની શંકાએ તેમણી અટકાયત કરી પુછપરછ કરવામાં આવી રહી છે.