(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતે ધર્મો અને જાતિઓ વચ્ચે કોઇ ભેદભાવ કર્યો નથી અને ભારતે બીજા કોઇ દેશ કે વિચારસરણી પર હુમલો કર્યો હોવાનો કોઇ ઇતિહાસ નથી. બુદ્ધપૂર્ણિમાના પ્રસંગે નવી દિલ્હીમાં યોજવામાં આવેલી એક ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે બુદ્ધના ઉપદેશો માનવતા પર આધારિત છે અને દેશને ગર્વ છે કે આ ફિલોસોફી ભારતની છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા યોજાયેલી ઇવેન્ટમાં વડાપ્રધાને જણાવ્યું કે ભારતે ક્યારેય અન્ય કોઇ વિચારસરણી કે દેશ પર હુમલો કર્યો નથી. ધર્મો વચ્ચે ભેદભાવ કરવાનો પણ અમે ક્યારેય પ્રયાસ કર્યો નથી. આજની દુનિયામાં માનવતા અને કરૂણા વધુ સુસંગત બની ગયા છે. વધુમાં તેમણે કહ્યું કે, હજારો વર્ષોની આપણી સંસ્કૃતિ મૂળભૂત ચિંતન સાથે આ રાહ સાથે ચાલી છે. સિદ્ધાર્થની ગૌતમ બુદ્ધ બનવાની યાત્રા કથાએ માત્ર નિર્વાણ પ્રાપ્ત કરવાની કથા નથી. આ કથા છે સત્યની. જે વ્યક્તિ ધન, જ્ઞાન અને સંપદાથી બીજાના દુખ અને વેદના દૂર કરવાનો પ્રયાસ કરે છે એ દરેક વ્યક્તિ સિદ્ધાર્થથી બુદ્ધના માર્ગે છે. બુદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધપૂર્ણિમાએ કરૂણાનો અહેસાસ દરેક પળે થાય છે. આતંકવાદ, જાતિવાદ, વંશવાદ એની કાલીમા બુદ્ધના સંદેશને કાળા વાદળો સાથે ઢાંકતી દેખાય છે તો કરૂણા અને મૈત્રીની વાત વધુ આવશ્યક બની રહી છે. વિશ્વમાં સમાનતા અને શાંતિનો સંદેશ ભગવાન બુદ્ધે અઢી હજાર વર્ષ પૂર્વે વિશ્વમાં પ્રસરાવ્યો હતો.