(એજન્સી) નેલ્લોર, તા.ર
આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં ટ્રાન્સપોર્ટ વિભાગમાં કામ કરતા એક કર્મચારી પાસેથી ૧૦ કરોડ ગેરકાયદેસર સંપત્તિ ઝડપાઈ છે. રાજ્યની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ આ સંપત્તિને જપ્ત કરી આરોપીની ધરપકડ કરી છે.
કે. નરસિંહ રેડ્ડી નાયબ ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરીમાં નેલ્મેટમાં ઓફિસ એટેન્ડંટ તરીકે કામ કરતો હતો. જેની માસિક આવક રૂા.૪૦ હજારથી ઓછી છે. પરંતુ તેની સંપત્તિમાં બેહદ વધારો એસીબીના ધ્યાન પર આવતાં એસીબીએ દરોડો પાડ્યો હતો. આરોપીએ ૧૮ જેટલી જમીનના પ્લોટ ખરીદતા આ ભાંડો ફૂટ્યો હતો. જ્યારે જમીનનો રેકર્ડ ડિઝીટલ થયો ત્યારે આ વાત ધ્યાન પર આવી હતી. એસીબીએ આરોપીના ઘરેથી ઘરેણા, કિંમતી મૂર્તિઓ, ૭.૭૦ લાખ રૂપિયા રોકડા, ર૦ લાખ બેન્ક એકાઉન્ટમાં જમા, ૧ કરોડની વિમા પોલીસી, તેમજ પ૦ એકર જમીન જપ્ત કરી હતી. જમીનના કિંમતી ૧૮ પ્લોટ આરોપી અને પરિવારના નામે છે. તે પણ જપ્ત કરાયા હતા. આરોપી ૧૯૮૪માં ઓફિસમાં ૩૪ વર્ષ કામ કર્યું હતુંં. તે દરમ્યાન આ મિલકતો ગેરકાયદેસર ભેગી કરી હતી. તેણે પ્રમોશન લેવાનો ઈન્કાર કર્યો હતો. આરોપીએ ૩૩૦૦ સ્ક્વેર ફૂટ જમીન પર બે માળનું પેન્ટ હાઉસ સાથે મકાન બનાવ્યું હતું. જમીનો અને પ્લોટોની કિંમત પ૦ કરોડ થવા પામેલ છે.