જામનગર, તા.૨
જામનગરના એડવોકેટની હત્યાના પડેલા ઘેરા પડઘાના કારણે દેશના તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટીસ જારી કરવામાં આવી છે. ઉપરાંત આ કેસની તપાસ માટે ગઈકાલે જામનગર આવેલી રાજ્યની એટીએસ તથા અમદાવાદની ક્રાઈમ બ્રાંચની ટૂકડીએ રેન્જ આઈજીના વડપણ હેઠળ તપાસમાં ઝંપલાવ્યું છે. એડવોકેટના હત્યારાઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા સંભવિત તમામ પાસાઓ ચકાસવામાં આવી રહ્યા છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં શનિવારની રાત્રે જાણીતા વકીલ કિરીટભાઈ એચ. જોષી પોતાની જ્યોત ટાવર સ્થિત ઓફિસેથી ઉતરીને જ્યારે ઘર તરફ જવા રવાના થયા ત્યારે જ્યોત ટાવરના પગથિયાથી થોડે જ દૂર તેઓને મોટરસાયકલમાં આવેલા બે શખ્સોએ આંતરી લીધા પછી પાછળ બેસેલા શખ્સે નીચે ઉતરી પોતાની પાસે રહેલી છરી વડે કિરીટભાઈ પર ખચાખચ ઘા ઝીંક્યા હતા જેના કારણે વેંતરાઈ ગયેલા કિરીટભાઈનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું હતું.
આ બાબતે મૃતક એડવોકેટના ભાઈ અને એડવોકેટ એવા અશોકભાઈ એચ. જોષીએ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર રૂા.૧૦૦ કરોડના જમીન પ્રકરણના મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ અને તેના દ્વારા મોકલવામાં આવેલા બે શખ્સોએ આ હત્યાને અંજામ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે પૂર્વયોજિત કાવતરૂ, હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
જામનગરના એસપી પી.બી. સેજુળ પણ બનાવના સ્થળે તાત્કાલિક ધસી ગયા હતા. તેઓના તજજ્ઞ માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તથા સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં આરોપીઓની ઓળખ મળે તેવા કેટલાક ફૂટેજ સાંપડયા હતા જેના આધારે પોલીસે કેટલાક શકમંદોની ઘનિષ્ઠ પૂછપરછ આરંભી છે.
આ ટૂકડીઓએ ગઈકાલે હત્યાના સ્થળનું સઘન નિરીક્ષણ કર્યા પછી સીસીટીવી ફૂટેજ નીહાળ્યા છે તેમજ અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિથી તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં કિરીટભાઈના મોબાઈલ પર આવેલા કોલની ડીટેઈલ સહિતની ઝીણામાં ઝીણી બાબતો ચકાસવામાં આવી રહી છે. ઉપરાંત સીસીટીવીમાં દેખાતા આરોપીઓની ક્લિપ રાજ્યના અન્ય પોલીસ મથકોને પણ મોકલીને આરોપીઓની ઓળખ મેળવવા ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
તે દરમ્યાન ગૃહ ખાતાએ દેશના તમામ એરપોર્ટ પર જયેશ પટેલ અંગેની લુકઆઉટ નોટીસ જારી કરી છે જેની સાથે તપાસનીશ ટૂકડીએ આરોપી જયેશ પટેલના નિવાસસ્થાને ચકાસણી કરી તેના પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે જેમાં ખૂલ્યા મુજબ જયેશ પટેલ થોડા દિવસો પહેલા જ વિદેશ જવા નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું છે.