(એજન્સી) તા.ર
નાઇજિરિયામાં પૂર્વોત્તર વિસ્તારમાં એક મસ્જિદ અને માર્કેટમાં બે આત્મઘાતી હુમલાને કારણે ઓછામાં ઓછા ૬૦ લોકો મૃત્યુ પામ્યા હતા. એએફપીના અહેવાલ અનુસાર ઇદામાવા રાજ્યના પોલીસ અધિકારી ઓસમાન અબુબક્રમે જણાવ્યું હતું કે આ હુમલામાં અનેક લોકો ઘવાયા પણ છે. આ હુમલો રાજ્યની રાજધાની યૂલાથી ર૦૦ કિલોમીટર દૂર મોબી શહેરમાં થયો હતો. આ હુમલાની જવાબદારી હાલ કોઇ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી પરંતુ એવું જણાવાઇ રહ્યું છે કે આ હુમલો બોકોહરામ સંગઠને જ કર્યો છે. જે નાઇજિરિયાના પૂર્વોત્તર વિસ્તારમાં લાંબા સમયથી સક્રિય છે અને તેણે ર૦૦૯થી અત્યાર સુધીમાં અનેક હુમલામાં ર૦ હજારથી વધુ લોકોના જીવ લીધા છે. યાદ રહે કે નાઇજિરિયાનું શહેર મૂબી ગત અનેક વર્ષોથી આતંકવાદનો શિકાર બની રહ્યું છે. જ્યાં આતંકી હુમલાની જવાબદારી બોકોહરામે જ સ્વીકારી છે. નાઇજિરિયાની સેના અને સરકાર તરફથી આતંકવાદને ખતમ કરવા માટે સફળ કાર્યવાહીનો દાવો કરવામાં આવે છે પરંતુ અત્યાર સુધી આતંકી હુમલામાંથી કોઇ સ્પષ્ટ ઘટાડો જોવા મળ્યો નથી.