(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.૨
ગ્રામ સ્વરાજ અભિયાન-૨૦૧૮ અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના ખેડૂત ભાઇ-બહેનોને કૃષિ તેમજ દુધ ઉત્પાદન વધારવા અને વૈજ્ઞાનિક ઢબે ખેતી-પશુપાલન દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે ઉમદા હેતુસર લુણાવાડા એ.પી.એમ.સી. ખાતે કિસાન કલ્યાણ મહોત્સવ-૨૦૧૮ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં ખેડૂતો વૈજ્ઞાનિક અને આધુનિક ખેત પદ્ધતિ અપનાવી ઓર્ગેનિક ખેતી તરફ વળી શુદ્ધ અને વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે કૃષિ કલ્યાણ મહોત્સવોનુ આયોજન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ પ્રકારના મેળાઓ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી મેળવેલ માહિતીનો ખેડૂતો ખેતીમાં સીધેસીધો ઉપયોગ કરી શકે તે માટે કૃષિ યુનિર્વસિટી દ્વારા ખેડૂતોના હિતમાં અનેકવિધ પગલા લેવામાં આવેલ છે.
આ પ્રસંગે કૃષિ વૈજ્ઞાનિકશ્રી એમ.બી.પટેલે મકાઇની ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી વૈજ્ઞાનિક ખેત પદ્ધતિ ખેતીમાં ખાતર-બિયારણ સોઇલ હેલ્થકાર્ડ, લીલોપડવાશ, સેન્દ્રીય ખાતર, વૃક્ષ ઉછેર, સેઢા પાળા પર કરમદા અને ઔષધિય પાકો અંગે જાણકારી આપી હતી.
વેટેનરી ડૉ. કે.એમ.પટેલે પશુની માવજત અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લાના પ્રગતિશિલ ખેડૂત શ્રી કિરીટભાઇ મણીભાઇ પટેલ તેમજ મુકેશભાઇ કાળુભાઇ પટેલને બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી વી.એ.વઘેલાએ સૌનું શાબ્દિક સ્વાગત કરી કિસાન કલ્યાણ મહોત્સવ અંગે જાણકારી આપી ખેતીને વૈજ્ઞાનિક અભિગમ તરફ લઇ જવા અનુરોધ કર્યો હતો. આભાર વિધિ ખેતીવાડી અધિકારીશ્રી એચ.જે.ઝિંદાલે કરી હતી. પશુપાલન-બાગાયત- ખેતીવાડી, બીજનિગમ વગેરે વિભાગો દ્વારા નિદર્શન સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતાશ્રી જીગ્નેશભાઇ સેવક, એ.પી.એમ.સીના ચેરમેનશ્રી ભાનુભાઇ, અગ્રણીશ્રી જે.પી.પટેલ, મુળજીભાઇ રાણા, જિલ્લા કલેક્ટરશ્રી વી.એ.વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વી., આણંદ કૃષિ યુનિર્વસિટીના શ્રી બ્રહ્મભટ્ટ તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો તથા વિવિધ સમિતિના ચેરમેનઓ, ખેડૂતભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.