(એજન્સી) તા.ર
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગૃહ જિલ્લા ગોરખપુરની બાબા રાઘવદાસ (બીઆરડી) મેડિકલ કોલેજમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સંખ્યાબંધ નવજાત શિશુઓના થયેલા મૃત્યુ કેસમાં ઈએફબાઈટિસ વોર્ડના પ્રભારી રહેલા ડૉ.કફીલખાનની ધરપકડ કરવામાં આવી હતી. તેમને રપ એપ્રિલ બુધવારે જામીન મળી ગયા હતા. ડૉ.કફીલખાનને લગભગ આઠ મહિના જેલમાં રહેવું પડયું હતું. તેમણે જેલમાં થયેલો અનુભવ એક ન્યૂઝ ચેનલને જણાવ્યો હતો. ડૉ.કફીલખાને તેમના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હા ત્યાં બેરેક હતા જે સાંજે છ વાગે બંધ થઈ જતા હતા અને સવારના છ વાગ્યા સુધી અમારે બેરેકમાં રહેવું પડતું હતું. અમારા બેરેકમાં ૬૦ કેદીઓને સમાવવાની ક્ષમતા હતી પરંતુ કેટલીક વાર તેમાં કેદીઓની સંખ્યા ૧પ૦થી ૧૮૦ સુધી પહોંચી જતી હતી ત્યાં ફકત એક જ ટોઈલેટ હતું. શિયાળામાં અમે રાત્રે ઓછું પાણી પીતા હતા કારણ કે જો રાતમાં ટોઈલેટ જવું પડે તો લોકો ઉપરથી પસાર થવું પડતું હતું. ડૉ.કફીલખાને જણાવ્યું હતું કે ત્યાં રીઢા ગુનેગારો હતા. કોઈએ હત્યા કરી હતી તો કોઈએ અન્ય ગુનો. અમે લોકો જમીન પર સૂઈ રહેતા હતા. ત્યાં ગંદકીને કારણે રાત-દિવસ મચ્છરો રહેતા હતા. ખાવાના સમયે બધા દોડીને જતા હતા. દિવસમાં ફકત એકવાર સાંજે ચાર વાગે ચા મળતી હતી. ખાને આમ પણ જણાવ્યું કે, મેં ત્યાં પુસ્તકો વાંચ્યા. મેં કુર્આનશરીફ વાંચ્યું. હું દરરોજ કુર્આનશરીફ વાંચતો હતો. મેં આ ધાર્મિક પુસ્તકને સમજ્યું. જીવન વિશે જાણકારી મેળવી કારણ કે કશું પણ કારણ વગર થતું નથી. એક ન્યૂઝ ચેનલના અહેવાલ મુજબ ડૉ.કફીલખાનને જેલમાં મોકલવામાં આવ્યા ત્યારે તેમની દીકરીનો પ્રથમ જન્મદિવસ હતો જ્યારે ૮ મહિના પછી તેઓ જેલમાંથી પાછા ફર્યા ત્યારે એમની દીકરી તેમને ઓળખતી ન હતી અને તેમની ગોદમાંથી ભાગતી હતી. કફીલખાને કહ્યું કે હું જેલમાં ગયો એટલે મારો સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મૂકાઈ ગયો. મારો ભાઈ તેનો વ્યાપાર છોડી કોર્ટ-કચેરીના ધક્કા ખાતો થઈ ગયો. મેડિકલ કોલેજનો મારો કોઈ પણ મિત્ર સરકારના ભયને કારણે મને મળવા ન આવ્યો. લોકો મારા પરિવાર સાથે મુલાકાત ટાળતા હતા. લોકોને ભય હતો કે જો તેઓ અમને સાથ આપશે તો યોગી નારાજ થઈ જશે.