(એજન્સી) શોપિયાં, તા. ૨
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં કાનિપોરા ગામમાં એક સ્કૂલ બસ પર પથ્થરબાજોએ હુમલો કરતાં બીજા ધોરણનો એક વિદ્યાર્થી માથામાં ગંભીર ઇજાનો ભોગ બન્યો છે જેના કારણે રાજ્યમાં ઘેરા આઘાતની લાગણી ફેલાઇ છે. પોલીસે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. બસમાં કુલ ૫૦ બાળકો હતા જેમાં મોટાભાગના તો ચાર વર્ષના જ હતા. આ બસ રેઇનબો ઇન્ટરનેશનલ સ્કૂલની હતી. બસ પર પથ્થરબાજી કરનારા લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. માથામાં ઇજાથી પીડાતા વિદ્યાર્થીના પિતાએ કહ્યું હતું કે, મારા પુત્રને પથ્થર વાગવાથી ઇજા થઇ છે જે માનવતા વિરૂદ્ધનું કૃત્ય છે. આ ઘટના કોઇના પણ બાળક સાથે બની શકે છે.
દરમિયાન પોલીસે કહ્યું હતું કે, તોફાનીઓને વહેલી તકે ઝડપી લેવાશે. શોપિયાંના એસપી શૈલેન્દ્રકુમારે જણાવ્યું હતું કે, આખા વિસ્તારની સાફ સફાઇ કરી નાખવામાં આવી છે અને પથ્થરબાજોની શોધખોળ કરાઇ રહી છે તેઓને વહેલી તકે ઝડપી લેવાશે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે આ ઘટનાને વખોડી કાઢી હતી. મુફ્તીએ ટિ્વટ કરી કહ્યું હતું કે, શોપિયાંમાં સ્કૂલ બસ પર હુમલાનું સાંભળીને આઘાત સાથે ગુસ્સો છે. આ સંવેદનહીન અને કાયર હુમલા પાછળના લોકોને પકડીને ન્યાયના કઠેડામાં લાવીશું. ઓમર અબ્દુલ્લાહે ટિ્વટ કરી કહ્યું હતું કે, કોઇપણ હેતુ માટે બાળકોને નિશાન બનાવાતા આશ્ચર્ય થયું છે. બાળકોની સ્કૂલ બસ અને પ્રવાસીઓની બસો પર હુમલા કરવાથી પથ્થરબાજોને શું ફાયદો થઇ શકે ? આ હુમલો ધરાર વખોડવા લાયક છે. અબ્દુલ્લાહે આમ લખ્યું કે, એમ્નેસ્ટીએ પથ્થરબાજોને સકારણ વર્તન બદલ પ્રોત્સાહન આપ્યું છે પરંતુ આ ગુંડાઓ એવું માની રહ્યા છે કે તેમને વધુ પથ્થર મારવાની છૂટ મળી ગઇ છે. દરમિયાન રાજ્યના પોલીસ વડા એસપી વૈદ્યૈ આ ઘટનાને સંપૂર્ણ પાગલપણું ગણાવ્યું છે. તેમણે લખ્યું હતું કે, શરારતી તત્ત્વોએ શોપિયાંની રેઇનબો ઇન્ટરનેશનલ સ્કૂલની બસ પર પથ્થરો માર્યા છે જેના કારણે બીજા ધોરણમાં ભણતો રેહાન નામનો વિદ્યાર્થી ઘાયલ થયો છે. માથામાં ગંભીર ઇજાઓ થવાને કારણે રેહાનને સ્કીમ્સ હોસ્પિટલમાં રિફર કરાયો છે. ઘટનાને સંપૂર્ણ ગાંડપણ ગણાવતા તેમણે કહ્યું કે, શા માટે તેઓ બાળકોની બસો પર હુમલા કરે છે. આ આપરાધીઓએ કાયદાનો સામનો કરવો પડશે.