(એજન્સી) પટણા, તા. ૨
બિહાર વિધાનસભાના અધ્યક્ષ અને જેડીયુના વરિષ્ઠ નેતા ઉદય નારાયણ ચૌધરીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. બુધવારે તેમણે આ વાતની જાહેરાત કરી છે. અહેવાલો મુજબ તેમણે પક્ષની દલિત વિરોધી નીતિઓને કારણે રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું કે દલિત સમુદાય સામેના અત્યાચારો અટકાવવામાં રાજ્યની નિષ્ફળતાને કારણે તેમણે રાજીનામું આપ્યું છે. ચૌધરીએ જણાવ્યું કે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સાથે તેમણે દલિતો સામેના અત્યાચાર અંગેની પોતાની ચિંતાઓ વિશે ચર્ચાઓ કરી હતી પરંતુ તેમણે કરેલા સૂચનોને ગંભીર રીતે લેવામાં આવ્યા નથી. નોંધનીય છે કે ચૌધરીની પાર્ટી સાથે છેડો ફાડવાની અટકળો ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ચૌધરી પોતાના પક્ષની વિરૂદ્ધમાં ઘણી વાર નિવેદનો કરી ચુક્યા હતા.
અહેવાલો મુજબ ચૌધરીએ જણાવ્યું છે કે મેં જેડીયુ છોડવાની જાહેરાત કરી છે અને બિહારમાં દલિતો સાથે થઇ રહેલા વ્યવહારને કારણે મેં આ નિર્ણય લીધો છે. ચૌધરી છેલ્લા ઘણા દિવસોથી પાર્ટી સહિત મુખ્યપ્રધાન નીતિશ કુમારથી નારાજ હતા. તેમણે સરકાર સામે બળવાનું વલણ અપનાવ્યું હતું. મંગળવારે તેમણે દલિતોના સમર્થનમાં એક કૂચનું પણ આયોજન કર્યું હતું. એટલું જ નહીં, પટણામાં યોજાયેલા યશવંતસિંહાના કાર્યક્રમમાં પણ તેમની સક્રિયતા જોવા મળી હતી.
એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિરોધ પક્ષ રાજદના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડમાં જેલની સજા થયા બાદ પણ ચૌધરીએ પોતાની જ સરકાર સામે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ભલે જ નીતિશ અને ભાજપ લાલુ પ્રસાદને જેલમાં મોકલાવી દે, તેનો રાજકીય લાભ લાલુ અને તેમના પક્ષને જ થવાનો નક્કી છે. ચૌધરીએ લાલુ સાથે રાંચીની બિરસા મુંડા જેલમાં મુલાકાત પણ કરી હતી. ત્યાર પછીથી બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.