(એજન્સી) નવી દિલ્હી, તા.ર
નવું સિમકાર્ડ લેવાનું ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. સરકારે કર્યું છે કે નવું સિમકાર્ડ લેવા માટે આધાર જરૂરી નથી. સરકારે ટેલિકોમ ઓપરેટરોને આદેશ આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ગ્રાહકોને સિમ જારી કરતી વખતે આધાર સિવાય અન્ય કાયદેસર ઓળખપત્ર એટલે કે ડ્રાઈવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર પત્ર પણ લઈ શકે છે. દૂરસંચાર સચિવ અરૂણા સુંદરરાજને જણાવ્યું કે ગ્રાહકોની સવલત માટે આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે.
એક સમાચાર પત્રમાં છપાયેલ સમાચારને ધ્યાનમાં લેતા સરકારે આ આદેશ બહાર પાડ્યો છે. સમાચારમાં જણાવાયું હતું કે દૂરસંચાર કંપનીઓ આધાર વગર સિમકાર્ડ જારી કરી રહી નથી. જો કે સુપ્રીમકોર્ટનો આદેશ સ્પષ્ટ છે કે આધાર સિમકાર્ડ જારી કરવા માટે મહત્ત્વપૂર્ણ નથી. સુપ્રીમ કોર્ટમાં આધારની માન્યતા અંગેની સુનાવણી ચાલી રહી છે. ન્યાયાલયે જણાવ્યું છે કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ના આવે ત્યાં સુધી આધારને ફરજિયાત કરવા માટે કોઈને મજબૂર કરી શકાય નહીં.