સુખસર, તા.ર
ફતેપુરા તાલુકાના મોટા નટવાના જાંબુડી ફળિયામાં પપ વર્ષીય દાદાએ છ વર્ષની પૌત્રી ઉપર કેરોસીન છાંટી સળગાવી દઈ પોતે કેરોસીન છાંટી સળગી જઈ દાદાએ કૂવામાં ઝંપલાવતા અને પોત્રીને દવાખાનામાં સારવાર માટે લઈ જતા સમયે મોત નિપજતા પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામેલ છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકામાં મોટા નટવા ગામના જાંબુડી ફળીયામાં રહેતા ડામોર માનજીભાઈની પુત્રીના લગ્ન સાતેક વર્ષ અગાઉ મારગાળાના માળી ફળીયામાં રહેતા રાકેશ રમેશભાઈ નિસરતાની સાથે થયેલ હતા. અને રમેશ નિસરતાની પત્ની ડિલેવરી સમયે મરણ ગયેલ જ્યારે પુત્રી બચી ગઈ હતી. જેને દાદા માનજીભાઈ ડામોર પોતાના ઘરે માત્ર પાંચ દિવસની પોત્રીને લઈ આવ્યા હતા અને દાદા-દાદીના સહારે પુત્રી છ વર્ષની થઈ હતી. ત્યારબાદ દોઢ વર્ષ અગાઉ માનજીભાઈ ડામોરના પત્ની કુદરતી રીતે મરણ જતા પોત્રી દાદાના સહારે મોટી થઈ રહી હતી. પરંતુ કોઈક કારણોસર તા.૩૦/૪/૧૮ના રોજ માનજીભાઈ ડામોરે રાત્રીના દશ વાગ્યાના અરસામાં છ વર્ષની પોત્રી ઉપર કેરોસીન છાંટી, પોતા ઉપર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેતા દાદા પોત્રી સળગવા લાગ્યા હતા અને આગમાં લપેટાયેલ પોત્રીએ ચીસાચીસ કરતા ઘરના માણસો જાગી ગયા હતા અને મકાનનો દરવાજા ખોલવાનો પ્રયત્ન કરતા આગળ-પાછળ બંને બાજુથી અંદર સ્ટોપર લગાવેલી હોઈ દોડી આવેલ લોકોએ દરવાજાનો નકુચો તોડી આગમાં લપેટાયેલ પોત્રીને બચાવવા લાગ્યા હતા. જ્યારે માનજીભાઈ ડામોર પાછળનો દરવાજા ખોલી બળતી હાલતમાં નજીકમાં આવેલ કૂવામાં ભુસકો માર્યો હતો. જ્યારે પોત્રી આખા શરીરે દાઝી જતા તાત્કાલીક ઝાલોદ દવાખાનામાં લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે દાહોદ અને ત્યાંથી વડોદરા રિફર કરવામાં આવી હતી. પરંતુ પોત્રીનું રસ્તામાં જ મોત નિપજ્યુ હતુ. જ્યારે માનજીભાઈ ડામોરનું કુવામાં મોત થઈ ગયું હતું. પોત્રી-દાદાની અર્થી સાથે ઉઠતા ગામ હિબકે ચઢ્યું હતું. ઉપરોક્ત બાબતે સુખસર પોલીસમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ મૃતકોનું પીએમ તથા આગળ કોઈ કાર્યવાહી નહીં કરવા સ્વજનોએ જણાવતા પોત્રી-દાદાએ અંતિમ પગલુ કેમ ભર્યું તે રહસ્ય બનીને રહી ગયું છે.