(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨
સરદાર પટેલનાં પૈતૃક ગામ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે કરમસદ હીત રક્ષક સમિતિ દ્વારા ગત સોમવારથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને ત્રણ સિનિયર સીટીઝનોએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા ત્યારે આજે બપોરનાં સાડા ત્રણ વાગ્યાનાં સુમારે પ્રદેશ ભાજપનાં અધ્યક્ષએ ઉપવાસીઓની મુલાકાત લીધી હતી અને નાટકીય ઢબે તેઓને પારણા કરાવતા કરમસદનાં અનેક યુવાનોમાં નારાજગી પ્રવર્તી રહી હતી,અને આજે સાંજે સાત વાગે ઉપવાસીઓની મુલાકાતે પાસનાં નેતા હાર્દિક પટેલ આવનાર હોઈ ભાજપ દ્વારા ઉપવાસ આંદોલનને રાજકીય રંગ આપીને ખુબ જ ઝડપથી પારણા કરાવીને આટોપી લેવાયા હોવાનો આક્ષેપ પાસનાં સ્થાનીક નેતાએ કર્યો હતો.
મળતી વિગતો અનુસાર છેલ્લા ૨૪ કલાકથી આ આંદોલનને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો હોવાનું ગામનાં યુવાનોમાં લાગી રહ્યું હતું ત્યારે આજે સવારે પાસનાં નેતા હાર્દિક પટેલએ સાંજે કરમસદ ખાતે ઉપવાસીઓને સમર્થન આપવા માટે મુલાકાત કરવાની જાહેરાત કરતાજ ભાજપ ખળભળી ઉઠયું હતું અને પ્રદેશ ભાજપ પ્રમુખ આજે બપોરનાં સુમારે અચાનક કરસમદ ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ ઉપવાસીઓને મળીને કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે યોગ્ય ચર્ચા કરવામાં આવશે અને કરમસદને રાષ્ટ્રીય દરજ્જો મળે તે માટે તમામ કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી ઉપવાસીઓને સરબત પીવડાવીને પારણા કરાવ્યા હતા.
ત્યારે કેટલાક યુવાનોએ કેટલા સમયમાં જાહેરાત કરાશે તેવી પુછપરછ કરતા સાંસદ દીલીપ પટેલએ કહ્યું હતું કે સરકારી કામ છે,વહેલુ મોડું થાય પણ કરમસદને રાષ્ટ્રીય દરજ્જો ચોક્કસ મળશે.
પારણા કરાવ્યા બાદ જીતુભાઈ વાધાણી સરદાર પટેલનાં નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને જયાં તેઓએ અખંડ જયોતનાં દર્શન કરી સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. અહીયાં રશેષ પટેલ સહીતનાં યુવાનોએ જીતુભાઈ વાધાણીને રાષ્ટ્રીય દરજ્જો કેવી રીતે અને કયારે મળશે પારણા કરાવતી વખતે શું વચન આપ્યું તેની જાણ અમોને તો કરો તેમ જણાવતા જીતુભાઈ વાધાણી કોઈ પણ જવાબ આપ્યા વિના ચાલ્યા ગયા હતા.
કરમસદ ગામનાં યુવા નેતા રશેષ પટેલએ કહ્યું હતું કે રાષ્ટ્રીય દરજ્જો આપવા અંગે કોઈ લેખીત બાહેંધરી આપવામાં આવી નથી, તેમજ આ એક લોલીપોપ હોય તેમ લાગી રહ્યું છે. તેમજ ભાજપનું જ આંદોલન હતું અને ભાજપએ પારણા કરાવી આંદોલન સમેટી લીધું હોય તેમ લાગી રહ્યું છે, સરદારનાં ગામને રાષ્ટ્રીય દરજ્જો આપવાનાં આંદોલનને રાજકીય સ્વરૂપ આપી દેવાયું હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.