(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨
આણંદ તાલુકાનાં જીટોડીયા ગામનાં યુવકનું માત્ર રર હજાર રૂા.માટે તેનાં ઘરેથી અપહરણ કરી લઈ જઈ યુવકની માતા પાસેથી દસ લાખ રૂપિયાની ખંડણી માંગી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર યુવકનાં મિત્ર સહીત ત્રણ આરોપીઓને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી એક દિવસનાં રીમાન્ડ મેળવી વધુ પુછપરછ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર આણંદમાં જીટોડીયા પાસે રહેતાં સેફાલીબેન મનોજકુમાર બદ્રીનારાયણનો દિકરો સચીન ઉ.વ.૧૮ અને તેનો મિત્ર તોફીક તેના ઘરે હતાં. ત્યારે સીદ્દીક તથા અસ્ફાક નામના યુવકો બંને રહે. ભાલેજ તેમના ઘરે આવ્યાં હતાં અને ઘરે આવીને રર હજાર રૂા. ઉછીના આપ્યા હોય તેની ઉઘરાણી પેટે સચીન અને તેના મિત્ર તોફીકનું અપહરણ કરીને લઈ ગયાં હતાં. જેના બાદ તેમને દિકરાને અને તેના મિત્રને છોડાવવા માટે મહિલા પાસેથી રૂા. દસ લાખની ખંડણીની માંગણી કરી હતી. અને જો પૈસા નહીં મળે તો બંને યુવાનોને મારી નાંખવાની ધમકી આપી હતી. ગત મોડી સાંજે બનેલ ઘટનાથી નાસીપાસ થયેલા સેફાલીબેન તુરંત જીલ્લા પોલીસ અધિક્ષક પાસે દોડી ગયાં હતાં અને પોતાના દિકરા અને પરિવાર પર આપત્તિની હકીકત જણાવી હતી. પરિસ્થિતિની ગંભીરતા પુર્વક ધ્યાનમાં રાખીને જીલ્લા પોલીસ અધિક્ષક તત્કાળ જીલ્લા ટાઉન અને રૂરલ અને એલસીબી પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી અભિયાન શરૂ કર્યું હતું.
સતત લોકેસન બદલતા રહેતા આરોપીઓ ભાલેજ દાગજીપુરા રોડ વિસ્તારમાં હોવાની માહિતી મળતાં જ એ વિસ્તારમાં પોલીસની ટીમને વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને મોડી રાત્રે અપહરણ કરવામાં વપરાયેલ સીફટ ગાડી રસ્તા પરથી પસાર થતાં એલસીબી તથા આણંદ રૂરલની ટીમે તેને કોર્ડન કરી આંતરતા કાર ઉભી રહેતાં તુરંત જ પોલીસે કારની તલાસી લેતાં તેમાંથી અપહૃત સચીન તથા તોફીક મળી આવ્યાં હતાં.તેમજ અપહરણ કર્તા અસ્ફાક નજીર મહંમદ વ્હોરા રહે. આણંદ જાખરીયા મસ્જીદ પાછળ, સહયોગ કોલોની તથા ઈબ્રાહીમ યુસુફ વ્હોરા રહે. આણંદ સો ફુટ રોડ ખુશ્બુ પાર્કનાં એ લેવાનાં નિકળતા પૈસા માટે અપહરણ કર્યું હોવાનું કબુલ્યુ હતું અને અપહરણ કરવાના સમગ્ર કાવતરામાં સચીનનો મિત્ર તોફીક પણ અગાઉથી જ સામેલ હતો. તેણે અપહરણકારોને સમય સ્થળ અને ઘરની પરિસ્થિતિ અંગે માહિતી આપી અપહરણ કરવા સુધીની તમામ બાબતમાં મદદગારી કરી હતી. હકીકત સ્પષ્ટ થતાં પોલીસે અપહરણ કરાયેલ તોફીક ઉર્ફે તોફીકમીયા ફરીદમીયા રહે. જીટોડીયા સેન્ટ્રલ બેંક સામેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે સચીનને અપહરણ કર્તાઓના ચંગુલમાંથી મુકત કરાવીને તેમના પરિવારને પરત કર્યો હતો. તમામ આરોપીઓને આજે મોડી સાંંજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.