અંકલેશ્વર, તા.ર
અંકલેશ્વર તાલુકાના દીવા ગામના પરિવારની દક્ષિણ આફ્રિકામાં કરાયેલ નિર્મમ હત્યા અંગે રાજ્યસભાના સાંસદ અહમદભાઈ પટેલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને રજૂઆત કરી છે. હાલમાં જ મૂળ અંકલેશ્વરના જૂના દીવા ગામનાં અને વર્ષોથી દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયેલા માંજરા પરિવારના સભ્યોને સ્થાનિક નિગ્રો લોકોએ લૂંટના ઈરાદે કરપીણ રીતે મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બાબતે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ઘનિષ્ઠ તપાસ થાય અને દોષિતોને આફ્રિકન સરકાર સમક્ષ કડક રીતે મુદ્દો ઉઠાવી એના પર અંકુશ લાવવા માટે પણ રજૂઆત કરી છે.
વધુમાં તેમણે કેન્દ્રીય વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સમક્ષ આફ્રિકાની હાલની પરિસ્થિતિ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. આફ્રિકામાં હાલ અશાંતિ અને અરાજકતાનો માહોલ છે. ઠેર-ઠેર લડાઈઓ થઈ રહી છે. ભરૂચ જિલ્લા અને ગુજરાતના સેંકડો પરિવારો આફ્રિકામાં ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને ગુજરાતમાં વસતા તેમના સગાસંબંધીઓ સાથે કેટલાયનો સંપર્ક પણ થઈ શકતો નથી. જેથી અહીંના પરિવારજનો પણ ભારે ચિંતામાં છે અને સુરક્ષિત વાતાવરણમાં પોતાના સ્નેહીજનો હોય એવી પ્રાર્થના કરી રહ્યા છે. આથી આફ્રિકામાં ફસાયેલા તમામ ભારતીયોને સુરક્ષાનું વાતાવરણ મળે અને તેઓના જાન-માલનું રક્ષણ આફ્રિકન સરકાર પોતાના તમામ પ્રયત્નોથી કરે એ માટે ઘટતાં પગલાં લેવાની પણ રજૂઆત કરી છે.