અમદાવાદ, તા.ર
આકરા ઉનાળાએ ગાળિયો કસતા સમગ્ર રાજ્ય કાળ-ઝાળ ગરમીની ભીંસમાં આવી ગયું છે. છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને કારણે લોકો અંગ દઝાડતી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. અતિશય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આકરા તાપના કારણે બપોરના સમયે લોકો ઘરમાં પૂરાઈ રોડ-રસ્તાઓ સૂમસામ બની જાય છે. આજે સતત ત્રીજા દિવસે ભાવનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ભાવનગરમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું હતું જ્યારે અનેક સ્થળોએ પારો ૪૩થી ૪ર ડિગ્રીની નજીક રહેવા પામ્યો હતો. જો કે આગામી ચાર દિવસોમાં ગરમીથી કોઈ રાહત મળે તેવી શક્યતા દેખાતી નથી. ‘યલો એલર્ટ’ વચ્ચે અમદાવાદ સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર સહિતના સ્થળોએ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. ગરમીના કારણે લૂ લાગવાના, બેભાન થઈ જવાના, ચક્કર આવવા જેવા ઈમરજન્સી કેસોમાં ઘણો મોટો વધારો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં ભાવનગરમાં મહત્તમ તાપમાન ૪૪.૦ ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં ૪૩.૪, અમદાવાદ અને રાજકોટમાં ૪૩.૦, ગાંધીનગરમાં ૪ર.૭, ડીસામાં ૪ર.પ, અમરેલીમાં ૪ર.૩, કંડલામાં ૪ર.૦ અને આણંદ તથા વડોદરામાં ૪૧.૩ ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર-પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનોને કારણે લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. આ કાળઝાળ ગરમીથી બચવા વધુ તડકામાં બહાર ફરવાની અપીલ તબીબો અને તંત્ર દ્વારા વારંવાર કરવામાં આવી રહી છે.
ક્યાં કેટલું તાપમાન
સ્થળ મહત્તમ તાપમાન
ભાવનગર ૪૪.૦
સુરેન્દ્રનગર ૪૩.૪
અમદાવાદ ૪૩.૦
રાજકોટ ૪૩.૦
ગાંધીનગર ૪ર.૭
ડીસા ૪ર.પ
અમરેલી ૪ર.૩
કંડલા ૪ર.૦
આણંદ ૪૧.૩
વડોદરા ૪૧.૩