ત્રિશુર, તા.૩
કેરળના ત્રિશુર જિલ્લામાં મહિલા સશક્તિકરણ યોજના અંગે યોજાયેલી બેઠકના સ્થળે વિમુખ પતિ દ્વારા સળગાવી દેવાયેલી ર૩ વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ ઘટના ર૯ એપ્રિલે ચનગાલુર ખાતે બની હતી અને ત્રિશૂરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સોમવાર રાત્રે યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. જીથુ નામની આ યુવતી રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી યોજનામાં ભાગ લેવા પોતાના પિતા સાથે આવી હતી. જ્યાં અચાનક ધસી આવેલા તેના પતિ વિરાજે જીથુ પર પેટ્રોલ છાંટી તેની પર દિવાસળી ચાંપી દીધી હતી. ઘટના સમયે પંચાયતના સભ્યો અને આ યોજના સાથે જોડાયેલા કર્મચારીઓ પણ હાજર હતા પણ કોઈ જીથુની મદદ માટે આગળ આવ્યું ન હતું, એમ મૃતકના પિતાએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે સારવાર દરમિયાન જીથુનું મોત નિપજ્યું હતું. આ યુગલના છ વર્ષ અગાઉ લગ્ન થયા હતા જેમને કોઈ બાળક નથી અને કોર્ટમાં તેમના છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે.