(એજન્સી) જમ્મુ, તા. ૩
જમ્મુના કઠુઆ જિલ્લામાં બકેરવાલ સમુદાયની ૮ વર્ષીય બાળા આસિફા પર સામૂહિક બળાત્કાર અને ત્યાર પછી ક્રૂર રીતે તેની હત્યા કરાયા બાદ કઠુઆમાં લઘુમતી સમુદાયના વિદ્યાર્થી લિયાકત અલીને ચપ્પાના ઘા ઝીંકીને તેની હત્યા કરવામાં આવતાં જિલ્લામાં ફરી તનાવ ફેલાઇ ગયો છે. કઠુઆના એસએસપી શ્રીધર પાટિલે જણાવ્યું કે હુમલાખોરોનું ટાર્ગેટ અન્ય કોઇ હતો પરંતુ લિયાકત અલી ઝડપાઇ ગયો. લિયાકતની હત્યાના કલાકોમાં જ ત્રણ હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે લિયાકત અલી કઠુઆના બિલાવર શહેરના ઢેર મોહલ્લાનો નિવાસી છે. લિયાકત અલીને ચપ્પાના ઘા ઝીંકવામાં આવ્યા બાદ તેને મોડી રાત્રે જમ્મુની હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો પરંતુ ઇજાઓને કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
પાટિલે જણાવ્યું કે પ્રથમ દર્શીય રીતે એવું લાગે છે કે હત્યારાઓ પ્રેમ પ્રકરણમાં અન્ય કોઇને શોધતા હતા ત્યારે લિયાકત અલી ઝડપાઇ ગયો. જો કે, તેમણે એવી પણ સ્પષ્ટતા કરી કે આ લવ જિહાદનો કે અન્ય કોઇ ઇન્ટર કોમ્યુનિટી રીલેશનશિપનો મામલો નથી. અભિષેકના સાળા (ખજુરિયા)એ લિયાકતને ચપ્પાના ઘા ઝીંક્યા હતા.
અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે લિયાકત અલી અને તેની હત્યા કરનારાઓ કોલેજમાં અભ્યાસ કરે છે અને નજીકમાં જ રહે છે. આરોપીઓ સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવ્યા હતા અને કોઇ આબિદ નામના વિદ્યાર્થીને શોધી રહ્યા હતા. એવું લાગે છે કે લિયાકતે આબિદનો જીવ બચાવવા માટે દરમિયાનગીરી કરી હતી આબિદ નાસી છૂટવામાં સફળ રહ્યો અને હુમલાખોરો લિયાકત પર તૂટી પડ્યા હતા. લિયાકતના હત્યારાઓએ એવો દાવો કર્યો છે કે આબિદ હત્યારાઓના પ્રેમ પ્રકરણની માહિતી લીક કરી રહ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજથી કારમાં આવેલા યુવકોને ઓળખી પાડ્યા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.