(એજન્સી) તા.૩
૨૦૧૫માં મૈસૂર ખાતે યોજાયેલ એક શૈક્ષણિક પરિષદમાં પ્રો.બી પી મહેશચંદ્ર ગુરુએ રામાયણનું અર્થઘટન કરતા જણાવ્યું હતું કે રામે જ્યારે સગર્ભા સીતાને જંગલમાં રહેવા એકલા છોડી દીધા ત્યારે રામે સ્ત્રીઓના તિરસ્કાર અને અનાદરનો ગુનો કર્યો હતો. આ માટે રામનું વર્ણન કરવા તેમણે કન્નડ શબ્દ અલેમારીનો ઉપયોગ કર્યો હતો જેનો અર્થ વિચરતા કે ભ્રમણ કરતા એવો થાય છે. આવી ટિપ્પણી કરવા બદલ દોઢેક વર્ષ બાદ હિંદિુત્વ જૂથ કરુનાવુ સર્વોદયસેને દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પ્રો.બી પી મહેશચંદ્ર ગુરુને ૮ દિવસ મૈસૂર જેલમાં ગુજારવા પડ્યા હતા. કરુનાવુ સર્વોદય સેનેના પદાધિકારી સી વી રવિશંકરે પોતાની ફરિયાદમાં એવો દાવો કર્યો હતો કે પ્રો.મહેશચંદ્ર ગુરુએ રામને ભટકતી વ્યક્તિ ગણાવીને હિંદુઓની ધાર્મિક લાગણી દુભવી છે. તેના પર પ્રો.ગુરુની જામીન અરજી નકારવામાં ંઆવી હતી અને એક અઠવાડિયુું જેલમાં રહ્યા બાદ તેમને જામીન પર છોડવામાં આવ્યા હતા. આ પ્રો.મહેશચંદ્ર ગુરુ હાલ મૈસૂરમાં ભાજપ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. પ્રો.ગુરુએ જણાવ્યું હતું કે તેઓ કોઇ પક્ષ માટે પ્રચાર કરી રહ્યા નથી પરંતુ કર્ણાટકમાં ભાજપને હરાવવા માટે તેઓ જાહેર સભાઓ, પરિસંવાદો, દેખાવો વગેરેમાં ભાગ લે છે. આ પ્રયાસોના ભાગરુપે ગુરુએ બંધારણ અને લોકતંત્ર બચાવવાની જરુરિયાત અંગે જાગૃતિ લાવવા કર્ણાટક બેકવર્ડ ક્લાસીસ ફેડરેશન દ્વારા આયોજિત સેમિનારમાં હાજરી આપી હતી. બીજા દિવસે તેમને તેઓ કોંગ્રેસ માટે કેમ પ્રચાર કરી રહ્યા છે તે અંગેનો ખુલાસો માગતી યુનિવર્સિટી તરફથી કારણદર્શક નોટિસ બજાવવામાં આવી હતી. ત્યારબાદ પ્રો.ગુરુને મૈસૂર કોલેજમાં અધ્યાપકના હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પ્રો.ગુરુએ જણાવ્યું હતું કે સ્થાનિક ભાજપના સાંસદના દબાણને કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે સેમિનારમાં તેઓ કોમવાદી અનેે જ્ઞાતિવાદી બળો સામે ઊભા થવાની જરુર અંગે બોલ્યા હતા. ગુરુના મતે ભાજપ દલિતોને બે ચહેરા સાથે રજૂ કરે છે. એક બાજુ વડાપ્રધાન આંબેડકરના સ્મારકોનું ઉદ્ઘાટન કરે છે તો બીજી બાજુ જમણેરી પાંખના ગુંડાઓ આંબેડકરની પ્રતિમા પર તોડફોડ કરે છે. તેમણે જણાવ્યું હતું કે આ વખતે ભાજપની આ પ્રકારની પ્રયુક્તિથી કર્ણાટકના દલિતોને મૂર્ખ બનાવી શકાશે નહીં. દલિતને રાષ્ટ્રપતિ બનાવવા માટે સમર્થન આપવા જેવી રાજકીય પ્રયુક્તિઓ દલિતોને હવે મૂર્ખ બનાવી શકશે નહીં. ગુરુએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ કોવિંદ એ દલિતોના સાચા પ્રતિનિધિ નથી. તેઓ સ્થાપિત હિતોના સાચા પ્રતિનિધિ છે. જો આંબેડકર આજે હયાત હોત તો કોંગ્રેસ માટે તેમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તે ભાજપ માટે ઉચ્ચાર્યા હોત અને જણાવ્યું હોત કે ભાજપ સળગતું ઘર છે.