સિડની, તા.૩
પૂર્વ ટેસ્ટ ઓપનર જસ્ટીન લેન્ગરને ગુરૂવારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ત્રણેય ફોર્મેટમાં મુખ્ય કોચ નિયુક્ત કરાયા છે કોચ બન્યા બાદ લેન્ગરે વિવાદોથી ઘેરાયેલી ટીમનું વર્તન સુધારી ગુમાવેલું સન્માન પરત મેળવવાનું વચન આપ્યું છે. લેન્ગર રર મેના રોજ પદ સંભાળશે અને ચાર વર્ષ સુધી કોચ રહેશે. આ દરમ્યાન બે એશીઝ સિરીઝ, એક વર્લ્ડકપ અને એક ટવેન્ટી-ર૦ વર્લ્ડકપ રમાશે. લેન્ગર એવા સમયે કોચ બન્યા છે. જ્યારે બોલ ટેમ્પરીંગ પ્રકરણના કારણે પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથ અને ઉપકપ્તાન ડેવિડ વોર્નર પર પ્રતિબંધ લાગ્યો છે. જ્યારે પૂર્વ કોચ ડેરેન લેહમને પદ છોડી દીધું છે. લેન્ગરે પત્રકાર પરિષદમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયન ટીમ પાસે ઘણી અપેક્ષા છે. આપણે સુનિશ્ચિત કરવું પડશે કે બધાનું વર્તન સારું રહે. જો આવું થયું તો પરિણામ આપોઆપ મળશે. તેમણે કહ્યું કે, આપણે ગુમાવેલું સન્માન પ્રાપ્ત કરવું પડશે. આપણે મહાન ક્રિકેટર જ નહીં પણ સારા માણસ પણ બનાવવાના છે. આ ખૂબ જ જરૂરી છે. સન્માનથી વધીને દુનિયામાં બીજું કંઈપણ નથી.