અમરેલી, તા.૩
અમરેલીમાં ૨૦૧૫માં અતિવૃષ્ટિ બાદ સહાય માટે સરકારે ફાળવેલ રૂપિયા મંજૂર કરવા વાંકિયા ગામના લોકો પાસેથી અમરેલી અધિક મદદનીશ ઈજનેરે બંધારા બાંધવા પેટે બે લાખની લાંચ માંગેલ અને તે પેટે ગતરોજ એક લાખ લાંચ લેતા અમરેલીના પંચાયત વિભાગના અધિક મદદનીશ ઈજનેર એસીબીના હાથે ઝડપાઇ ગયેલ હતા.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલીના વાંકિયા ગામમાં ૨૦૧૫માં અતિવૃષ્ટિ માં બંધારાને નુકશાન થયેલ હતું. પુરસરંક્ષણ અને તે પેટની સહાય માટે પૈસા મંજૂર કરવા માટે અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના અધિક મદદનીશ ઈજનેર બી.એલ વાડોદરિયા એ બે લાખની માંગણી કરી હતી અને ગામના લોકોએ ભાવનગર એસીબીમાં ફરિયાદ કરતા ગતરોજ જૂની માર્કેટયાર્ડ પાસે અધિક મદદનીશ ઈજનેર બાવચંદ લક્ષ્મણ વડોદરિયા એક લાખ રોકડા લેતા ભાવનગર એસીબીના હાથે ઝડપાઇ ગયેલ હતા. આ અંગે અમરેલી એસીબી અને ભાવનગર એસીબીએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડેલ હતું.